રાજકોટ જિલ્લા પંચાયતનાં સ્થળાંતરમાં રૂા. 84 લાખના ખર્ચની તપાસનો આદેશ
નીલ્ગીવ બિલ્ડકોન એજન્સીનાં બિલની ચકાસણી શરૂ : રૂ. 22 લાખની ચૂકવણી પણ થઈ ગઈ, હવે જંગી ખર્ચની મુદ્દો ઉછળતાં પ્રમુખ, ચેરમેન, કાર્યપાલક ઈજનેર કહે છે કે, 'ધ્યાન બહાર રહી ગયું..!'
રાજકોટ, : રાજકોટ જિલ્લા પંચાયતનું નવું બિલ્ડિંગ નિર્માણ પામી રહ્યું હોવાથી એકાદ વર્ષથી મોચી બજાર સ્થિત જૂના કોર્ટ બિલ્ડીંગમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે, જેમાં સાફ-સફાઈ, ફનચર હેરફેર, રીપેરીંગ કામ, ચેમ્બર સેટઅપ વગેરે પાછળ અધધ રૂ. 84 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. તેમાં કૌંભાડ થયાનો વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવતા હોબાળો મચી ગયા બાદ આખરે આજે તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.
રાજકોટ જિલ્લા પંચાયતમાં બહુમતી સાથે ભાજપનું શાસન છે અને વારંવાર વિવાદનાં વંટોળ સર્જાતા રહે છે, ત્યારે હવે સ્થળાંતર ખર્ચનો વિવાદ વકરતા આજે પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, કારોબારી ચેરમેન પી. જી. કયાડા અને માર્ગ મકાન પંચાયત વિભાગના કાર્યપાલક ઈજનેર એસ.આર. પટેલે જાહેર કર્યું કે, 'જુના કોર્ટ બિલ્ડિંગની હાલત ખૂબ ખરાબ હતી, એટલે વધુ ખર્ચ થયો છે. પરંતુ વિપક્ષે મુદો ઉછાળ્યો છે, તો હાલ તમામ બિલની ચકાસણી કરાશે. તમામ ખર્ચ ખરેખર વધુ હોય તો અમારા ધ્યાન બહાર રહી ગયું છે. નીલ્ગીવ બિલ્ડકોન એજન્સીને રૂ. 22 લાખની ચુકવણી થઈ ગઈ છે. અન્ય પેમેન્ટ અટકાવી દેવાનો આદેશ આપ્યો છે. આવતા ૩૦ દિવસમાં તપાસ રીપોર્ટ તૈયાર કરીને જરૂરી પગલા ભરવામાં આવશે.'
બીજી તરફ વિપક્ષી નેતા મનસુખ સકરીયાએ આક્રોશ ઠાલવ્યો કે, 'રાજકોટ જિલ્લા પંચાયતની લગભગ તમામ કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલે છે. મેં ગત સામાન્ય સભામાં આ સ્થળાંતરનો પ્રશ્ન ઉઠાવ્યો ત્યારે જ લેખિતમાં આપેલો જવાબ કૌભાંડની સાક્ષી પુરતો હતો. જેમાં જુના કોર્ટ બિલ્ડિંગની સાફ-સફાઈ, રંગ-રોગાન, રિનોવેશન વગેરે રૂ. 84 લાખનો ખર્ચ દેખાડવામાં આવ્યો, પરંતુ સાત માળનું ખખડધજ બિલ્ડિંગ જોતા એ ખર્ચ માત્ર કાગળ ઉપર થયાનું દેખાઈ આવે છે. આ બાબતે ડીડીઓ આનંદુ સુરેશ ગોવિંદને પણ રજૂઆત કરી હતી, પણ આજ સુધી કોઈ પગલા ભરવામાં આવ્યા નથી. વળી, સ્થળાંતરનો કોન્ટ્રાક્ટ મેળવનાર નીલ્ગીવ બિલ્ડકોન એજન્સીને આપેલા ટેન્ડર વિશે પણ આજ સુધી સત્તાધીશો માહિતી છુપાવતા આવ્યા છે, હવે તપાસ માટે 'સીટ'ની રચના થવી જોઈએ અને તેમાં વિપક્ષી સભ્યને પણ લેવા જોઈએ, તો જ સાચી અને તટસ્થ તપાસ થશે.