સરદાર ભુવન કોમ્પ્લેક્સ મામલે હાઈકોર્ટનો હુકમ
મનપાએ ફાળવેલી જગ્યા પર તાત્કાલિક દુકાનદારોએ જવું પડશે : બાદમાં કોમ્પ્લેક્સ તોડી પડાશે
નડિયાદમાં રેલવે સ્ટેશન પાસે સરદાર પટેલની પ્રતિમા નજીક આવેલાં સરદાર ભુવનમાં આવેલી ૪૦ દુકાનોના મામલે લાંબી લડત બાદ અંતે દુકાનદારોને મનપા દ્વારા હાલમાં જેટલી છે તે જ માપની જગ્યા ફાળવી આપવાની બાંહેધરી આપવામાં આવી હતી. ગુરૂવારે કોર્ટમાં મનપા દ્વારા વહેલીતકે દુકાનદારોને વૈકલ્પિક જગ્યા ફાળવી આપવાની તૈયારી બતાવવામાં આવ્યા બાદ કોમ્પલેક્ષના સ્ટ્રક્ચર રિપોર્ટના આધારે હાલમાં કોમ્પલેક્ષની સ્થિતીને ધ્યાને લેવાની સાથે સાથે ચોમાસામાં શહેરમાં વર્ષ ૨૦૨૪માં સર્જાયેલી જળબંબાકારની સ્થિતી તેમજ કાંસ ઉપર દુકાનો આવેલી હોવાના જોખમ સહિતના તમામ પાસાંઓને ધ્યાને લઇને હાઇકોર્ટે દુકાનદારોને મનપા જે વૈકલ્પિક જગ્યા ફાળવે છે તે સ્વીકારી લેવાની તાકિદ કરવાની સાથે સાથે મનપાને પણ વહેલી તકે વૈકલ્પિક જગ્યા ફાળવી આપવા હુકમ કર્યો હતો. જેમાં મનપા દ્વારા મંજુરી મળ્યે વૈકલ્પિક જગ્યાની કામગીરી શરૂ કરી, વહેલીતકે પૂર્ણ કરી દુકાનદારોને જગ્યા ફાળવી આપવાનું કહેવામાં આવ્યું હતું. દુકાનદારો શિફ્ટ થયા બાદ જ કોમ્પલેક્સ તોડવામાં આવશે.


