વડોદરા શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં શિસ્ત સમિતિની રચના કરવા આદેશ
Vadodara : અમદાવાદની સેવન્થ ડે શાળામાં ધો.10ના વિધાર્થી દ્વારા ધો.8ના વિદ્યાર્થીની હત્યાની બનેલી ઘટનાને પગલે વડોદરા શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં બાળકોની સલામતી માટે પગલાં લેવા માટે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. તમામ શાળાઓમાં શિસ્ત સમિતિની રચના કરવા માટે આચાર્યો, શાળા સંચાલકોને જણાવવામાં આવ્યું છે.
જિલ્લા શિક્ષણાધિકારી મહેશ પાંડે દ્વારા ઉક્ત સંદર્ભે શાળાઓને લખાયેલા પત્રમાં શાળામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીની સલામતી અને સુરક્ષા બાબતે પગલાં લેવા જણાવાયું છે.
દરેક પ્રાથમિક અને માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા આધારે શિસ્ત સમિતિની રચના કરવામાં આવશે. આ શિસ્ત સમિતિમાં શાળાના આચાર્ય, શિક્ષક, વિદ્યાર્થી, વર્ગના મોનિટર, જનરલ સેક્રેટરીને સભ્ય તરીકે રાખવામાં આવશે.
આ સમિતિ દ્વારા સમગ્ર શાળા પરિસરમાં રિશેષ સમય, રમતગમતના મેદાનમાં અને શાળામાં આવવાજવાના સમયે સલામતી જાળવવા નિરીક્ષણ કરશે. શિક્ષકની ગેરહાજરી હોય ત્યારે બાળકો વર્ગખંડમાં એકલા બેસી ના રહેતા તેમને સહઅભ્યાસિક પ્રવૃત્તિમાં જોડવાના રહેશે. શાળાના આચાર્ય અને શિક્ષકની નૈતિક ફરજના ભાગરૂપે શાળાના વિદ્યાર્થીઓની સલામતીને અગ્રતા આપવાની રહેશે.
શાળા કક્ષાએ વિદ્યાર્થીઓની સલામતી અને શિસ્ત વિષયક અનિચ્છનીય ઘટના ન બને તે જોવાની જવાબદારી આચાર્ય અને શિક્ષકોની રહેશે. આ માટે સમયાંતરે વિદ્યાર્થીઓના સ્કૂલ બેગની આકસ્મિક ચકાસણી કરવાની રહેશે. બાળક શાળાએ આવે તે પૂર્વે તેમના વાલીઓ દ્વારા પણ સ્કૂલબેગની ચકાસણી કરવા માટે વાલીબેઠકમાં વાલીઓને સૂચના આપવાની રહેશે.