વડોદરાના તમામ બ્રિજની સ્ટ્રકચર સ્ટેબિલિટી ચકાસવા આદેશ
Vadodara : મહીસાગર નદી ઉપર 40 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ બુધવારે સવારે તૂટી પડ્યાની ઘટના બાદ વડોદરા મ્યુનિસિપલ કમિશનરે પણ વડોદરા શહેરમાં આવેલા તમામ બ્રિજની મજબૂતાઈ કેવી છે તેની સ્થિતિ તપાસવા આદેશ આપ્યો હોવાનું જાણવા મળે છે.
વડોદરા શહેરમાં 13 રેલવે ઓવરબ્રિજ, 4 ફલાઈ ઓવર, 24 રિવર બ્રિજ, એક કમાટી બાગમાં અને એક જાંબુવાનો ગાયકવાડી શાસન વખતનો બેઠો પુલ મળી કુલ 43 બ્રિજ છે. જોકે કોર્પોરેશને ડિઝાઇન સલાહકારની નિમણૂક કરીને ચોમાસા પૂર્વે બ્રિજનો સર્વે કર્યો હતો અને તમામ બ્રિજ સલામત જણાયા હોવાનો રિપોર્ટ આવ્યો હતો, પરંતુ ગંભીરા બ્રિજની ઘટના બન્યા બાદ દરેક બ્રિજની સ્ટ્રક્ચર સ્ટેબિલિટી કેવી છે તે તપાસવા કહ્યું છે. હાલ કમાટીબાગ બ્રિજ બંધ છે જ્યારે જાંબુવા બ્રિજ પણ ગયા વર્ષે બંધ કર્યો હતો તેના પરથી માત્ર ચાલતા આવજા કરવાની છૂટ છે. હાલમાં સલાહકારોના કહેવા મુજબ જે બ્રિજમાં નાનું મોટું સિવિલ વર્ક કરવાનું છે તે તબક્કાવાર ચાલુ કરવામાં આવ્યું છે હજુ તાજેતરમાં જ કાલાઘોડા બ્રિજનું સિવિલ વર્ક ચાલુ કરાયું છે.