Get The App

પંચમહાલમાં બોગસ પ્રોપર્ટી કાર્ડના કૌભાંડ બાદ 2866 કાર્ડ રદ કરવા આદેશ, અરજી વિના કઢાયા હતા

Updated: Jan 11th, 2025


Google NewsGoogle News
પંચમહાલમાં બોગસ પ્રોપર્ટી કાર્ડના કૌભાંડ બાદ 2866 કાર્ડ રદ કરવા આદેશ, અરજી વિના કઢાયા હતા 1 - image

Panchmahal Bogus Property Card Scam :  પંચમહાલ જિલ્લાના તત્કાલીન સિટિ સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ ડી.ડી.પટેલે તેમની ફરજ દરમિયાન નિયમ વિરુદ્ધ પ્રોપર્ટીકાર્ડ કાઢી આપી કૌભાંડ આચર્યું હતું.  આ કૌભાંડ બાદ સસ્પેન્શનના પગલાં લેવામાં આવ્યા હતાં. બાદમાં પ્રોપર્ટી કાર્ડોની પ્રાથમિક તપાસ રાજ્ય કચેરીએ કરી પ્રોપર્ટી કાર્ડ ક્ષતિપૂર્ણ જણાતાં 2866 ક્ષતિપૂર્ણ પ્રોપર્ટી કાર્ડ રદ કરવા સેટલમેન્ટ કમિશનર કચેરી દ્વારા સિટિ સર્વે કચેરી ગોધરાને આદેશ કરાયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાત સરકારમાં સેટલમેન્ટ કમિશનર અને જમીન રેકર્ડ નિયામકના તાબા હેઠળના તંત્રમાં કઈ હદે ભ્રષ્ટાચાર છે તેનો વધુ એક પુરાવો બહાર આવ્યો છે. સેટલમેન્ટ કમિશનરે પંચમહાલ સિટિ સર્વે કચેરી દ્વારા બનાવાયેલ 2866 પ્રોપર્ટી કાર્ડ ક્ષતિપૂર્ણ રીતે બનેલ હોઈ રદ કરવા આદેશ આપ્યો છે. ડીઆઇએલઆર  કચેરીના વર્ગ-2ના અધિકારી દિપક પટેલે ગોધરા ખાતે સિટિ સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ તરીકેની ફરજમાં ગેરકાયદે રીતે એક બે નહિ પરંતુ 2866 પ્રોપર્ટીકાર્ડ કાઢયા હતા. જેના પગલે મહેસૂલ વિભાગે તેમને સસ્પેન્ડ કરવાનો હુકમ કરી આહવા ડાંગ બદલી કરી હતી.

કરોડો રૃપિયાના કૌભાંડમાં સરકારને નાણાંકીય નુકસાન પહોંચાડવાના કેસમાં ડીઆઇએલઆર કેડરના કોઈ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોય તેવી રાજ્યની પ્રથમ ઘટના હતી. આ ઉપરાંત ડીઆઇએલઆર કચેરીના અન્ય ત્રણ સર્વેયરોની પણ બદલી કરાઈ હતી. સેટલમેન્ટ કમિશનરની કચેરી સમક્ષ રજૂ થયેલા હકીકતલક્ષી અહેવાલમાં કુલ 2866 જેટલા પ્રોપર્ટીકાર્ડ ક્ષતિયુક્ત રીતે બનાવ્યાનું પ્રસ્થાપિત થયું હતું.

જેથી સેટલમેન્ટ કમિશનરે પંચમહાલ સિટિ સર્વે કચેરીને 2866 પ્રોપર્ટી કાર્ડ ક્ષતિપૂર્ણ રીતે બન્યા હોઈ તે તમામ 2866 પ્રોપર્ટી કાર્ડ રદ કરવાનો આદેશ આપ્યો હતો. ડીઆઇએલઆર કેડરના ડી.ડી.પટેલ ગોધરામાં સિટિ સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ હતા ત્યારે તેમણે કાતોલ ગામમાં સરવે નંબર 30ની 1139 ચો.મી. જમીન અંગે વર્ષ 2021, 2022 અને 2023 એમ ત્રણ વર્ષમાં કોઈ અરજી જ નહોતી થઈ તેમ છતાંયે મેન્ટેનન્સ સરવેયરના લોગઇનમાંથી ડેટા એન્ટ્રી કરીને પ્રોપર્ટી કાર્ડ કાઢી આપ્યા હતા. 




Google NewsGoogle News