Get The App

અણિયાદ દૂધ મંડળીની કમિટીને રદ કરવા મુદ્દે જિલ્લા રજિસ્ટ્રાર સામે તપાસનો આદેશ

Updated: Aug 1st, 2025

GS TEAM

Google News
Google News
અણિયાદ દૂધ મંડળીની કમિટીને રદ કરવા મુદ્દે જિલ્લા રજિસ્ટ્રાર સામે તપાસનો આદેશ 1 - image


- આઈએએસ અધિકારીઓની તપાસ માટે નિમણૂક કરવા હાઈકોર્ટનો હુકમ

- રાજકીય વગ અને સત્તાનો દુુરૂપયોગ કરીને જિલ્લાના 19 દૂધ મંડળીઓ રદ કરાયાનો આક્ષેપ

આણંદ: આણંદની અમૂલ ડેરીની ચૂંટણી જીતવા ભાજપ અને કોંગ્રેસના મરણિયા પ્રયાસો હાલ ચાલી રહ્યા છે. બોરસદ તાલુકાના અમિયાદ ગામની દૂધ મંડળીની કમિટીને રદ કરીને જિલ્લા રજિસ્ટ્રારે વહિવટદારની નિમણૂક કરી હતી. જે અંગે મંડળીના ચેરમેને હાઈકોર્ટમાં અરજી કરી હતી. ત્યારે આજે હાઈકોર્ટે અમિયાદ દૂધ મંડળીની કમિટીને રદ કરવાના જિલ્લા રજિસ્ટ્રારના નિર્ણયને વખોડી જિલ્લા રજિસ્ટ્રાર અભિષેક સુવા સામે તપાસનો આદેશ કર્યો છે. આઈએએસ અધિકારીઓની રજિસ્ટ્રાર સામે તપાસ માટે નિમણૂક કરવાનો પણ હુકમ કર્યો છે. આણંદ જિલ્લાના ભાજપના ધારાસભ્યોના દબાણ હેઠળ રજિસ્ટ્રાર દ્વારા પદનો દુરૂપયોગ કરાયો હોવાનું પણ હાઈકોર્ટે ચુકાદામાં નોંધ્યું છે. 

આણંદ જિલ્લાના ભાજપના ધારાસભ્યોના દબાણ હેઠળ જિલ્લા રજિસ્ટ્રાર અભિષેક સુવા દ્વારા પદનો દુરૂપયોગ કરાયો હોવાનું ચુકાદામાં નોંધ્યું 

બોરસદ તાલુકામાં અમિયાદ ગામની દૂધ મંડળી કાર્યરત છે. જેમાં બે મહિના અગાઉ દૂધ મંડળીના સભ્ય ના હોય અને દૂધ પણ ભરતા ના હોય તેવા વ્યક્તિ દ્વારા આણંદ જિલ્લા રજિસ્ટ્રાર અભિષેક સુવાને અરજી કરવામાં આવી હતી. જે અરજીમાં જણાવાયું હતું કે, હાલ જે દૂધ મંડળીની કારોબારી કમિટીની રચના થયેલી છે તે તદન ગેરવ્યાજબી છે. આણંદ જિલ્લા રજિસ્ટ્રાર અભિષેક સુવા દ્વારા અમીયાદ મંડળી પાસેથી સામાન્ય સભાનો રેકોર્ડ મંગાવ્યો હતો. 

જે મંડળી દ્વારા રજુ પણ કરવામાં આવ્યો હતો. છતાં જિલ્લા રજિસ્ટ્રારે એજન્ડા બજાવ્યા વગર અન્ય બિન જરૂરી બહાનાબાજી ઉભી કરીને આખી મંડળીને રદ કરી દેવામાં આવી હતી તેમજ વહીવટદાર તરીકે એચ.આર. ગોહિલની તાત્કાલિક નિમણૂક કરી દેવામાં આવી હતી.અમિયાદની દૂધ મંડળીની વ્યવસ્થાપક કમિટીને રદ કરવાના હુકમથી મંડળીના ચેરમેન ઈશ્વરભાઈ પરમારે આણંદ જિલ્લા રજિસ્ટ્રારે સત્તાપદ અને રાજકીય હાથો બનીને મંડળીને ખોટી રીતે રદ કરી હોવાની હાઇકોર્ટમાં રજૂઆત કરી હતી. જે સંદર્ભે ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગુરૂવારે સુનાવણી થઈ હતી. બાદમાં શુક્રવારે ગુજરાત હાઇકોર્ટે અમિયાદ મંડળીના કેસ સંદર્ભે આણંદ જિલ્લા રજિસ્ટ્રાર અભિષેક સુવાનો ઉધડો લીધો હતો. 

રજિસ્ટ્રારે પદ અને સત્તાનો દૂરઉપયોગ કર્યો હોવાથી હાઇકોર્ટ નોંધ લીધી હતી. જિલ્લા રજિસ્ટ્રારના નિર્ણય સામે આઈએએસ કક્ષાના અધિકારીની તપાસ માટે નિમણૂક પણ કરી દેવાના આદેશો હાઈકોર્ટે કર્યા હતા.

આણંદની અમુલ ડેરી જીતવા માટે આણંદ જિલ્લાના ભાજપના જ ધારાસભ્યો અને નેતાઓ દ્વારા જિલ્લા રજિસ્ટ્રારની સત્તાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો હોવાનું બહાર આવ્યું છે. દબાણ અને રાજકીય વગ તથા સત્તાનો દુરુપયોગ કરીને આણંદ જિલ્લાની ૧૯ જેટલી કાયદેસર દૂધ મંડળીઓને રદ કરાયાનો આક્ષેપ પણ કરાયો છે.

- રાજકીય વ્યક્તિઓના આદેશથી પ્રમાણિક મંડળીઓ રદ કરવાની કોશિશ: જિ.પં. કોંગ્રેસના પૂર્વ પ્રમુખ

ગુજરાત હાઇકોર્ટ દ્વારા આણંદ જિલ્લા રજિસ્ટ્રારના સત્તાપદનો દુરુપયોગ અને સહકારી નિયમોને નેવે મૂકીને ચસેન ડેરીમાં ભાજપને જીતાડવા માટે મતો રદ કરવાનું જે કાવતરું કરવામાં આવી રહ્યું છે તે સંદર્ભે આણંદ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને કોંગ્રેસ અગ્રણી નટવરસિંહ મહિડાએ જણાવ્યું હતું કે, આણંદ જિલ્લામાં રાજકીય વ્યક્તિઓના આદેશને કારણે જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા સાચી અને પ્રમાણિક મંડળીઓને પણ અમૂલ જીતવા માટે સહકારી નિયમોને નેવે મૂકીને રદ કરવાની કોશિશો થઈ રહી છે.ગેરકાયદે રીતે રદ કરાયેલી તમામ દૂધ મંડળીઓને  પુનઃસ્થાપિત કરવા માટે હાઇકોર્ટના દરવાજા પણ ખખડાવ્યા છે.

- બોરસદ તાલુકાની ત્રણ દૂધ મંડળીના કેસ હજૂ હાઈકોર્ટમાં

આનંદ જિલ્લાના ભાજપના ધારાસભ્યોના દબાણ હેઠળ આણંદ જિલ્લા રજીસ્ટાર દ્વારા ૧૯ જેટલી મંડળીઓને સહકારી નિયમોને નેવે મૂકીને રદ કરી વહીવટદારને નિમણૂક કરી દેવામાં આવી હોવાના આક્ષેપ ઉઠયા છે. બોરસદ તાલુકાના કઠાણા, પીલુન્દ્રા અને બોરસદ દૂધ મંડળીના કેસ હાલ હાઇકોર્ટમાં ચાલી રહ્યા છે.


Tags :