કોર્પોરેશનમાં વિપક્ષનું હલ્લાબોલ , જશોદાનગર ઘટના મામલે જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવા માંગણી
વિવિધ બેનર સાથે મુખ્ય કચેરી ખાતે વિરોધ પ્રદર્શન પછી આવેદન પત્ર આપ્યું
અમદાવાદ,સોમવાર,18 ઓગસ્ટ,2025
રામોલ-હાથીજણ વોર્ડ ખાતે આવેલા જશોદાનગર ખાતે કોર્પોરેશનની
ટીમ દ્વારા ડીમોલીશનની કામગીરી કરાઈ હતી. આ સમયે નર્મદાબહેન કુમાવત દ્વારા
આત્મવિલોપનનો પ્રયાસ કરાયો હતો.જેમનુ સારવાર દરમિયાન મોત થયુ હતુ. આ ઘટનાને લઈ
સોમવારે વિપક્ષ દ્વારા વિવિધ બેનર સાથે કોર્પોરેશનની મુખ્ય કચેરી ખાતે વિરોધ
પ્રદર્શન કરાયુ હતુ. મેયરને આવેદનપત્ર આપી આ ઘટના મામલે જવાબદાર અધિકારીઓને
સસ્પેન્ડ કરવા માંગણી કરી હતી.
જશોદાનગરમા આવેલા જયશ્રી કોમ્પલેકસમાં ૧૪ ઓગસ્ટે પોલીસ
બંદોબસ્ત વગર કોર્પોરેશનની ટીમ ગેરકાયદેસર કોમર્શિયલ બાંધકામ તોડવા પહોંચી
હતી.માનવતાને નેવે મુકીને ડીમોલીશનની કામગીરી કરાઈ હતી.જેના કારણે નર્મદાબહેનનુ
મૃત્યુ થયુ હોવાનો વિપક્ષનેતાએ આક્ષેપ કર્યો છે.મૃતકના પરિવારજનોને દસ લાખ રુપિયાનુ
વળતર આપવા તેમજ આત્મવિલોપન કરનાર મહીલા
દ્વારા રુપિયા ચાર લાખની કથિત રકમ આપવા બાબતે આક્ષેપ કરાયા હતા.તે અંગે તાકીદે
તપાસ કરાવીને પૂર્વ ઝોન એસ્ટેટ વિભાગના જવાબદાર તમામ અધિકારીઓ સામે કાર્યવાહી કરવા
રજૂઆત કરાઈ હતી .
રામોલના કોર્પોરેટરે ચાર લાખ લીધાનો આક્ષેપ, મેયરે કહયુ તપાસ
કરાવીશુ
જશોદાનગરની ઘટનામા રામોલ-હાથીજણ વોર્ડના કોર્પોરેટર મૌલિક
પટેલ દ્વારા રુપિયા ચાર લાખ લીધા હોવાનો આક્ષેપ કરતો મૃતક મહીલાના સ્વજનોનો વિડીયો
સોશિયલ મિડીયામા વાઈરલ થવા પામ્યો હતો.આ અંગે મેયર પ્રતિભા જૈને કહયુ, આ અંગે તપાસ
કરાવીશું.