Get The App

ખેડૂતોની સંખ્યા ડબલ થઈ જતાં 200ને બદલે 70 મણ ખરીદીના નિર્ણયનો વિરોધ

Updated: Sep 29th, 2025

GS TEAM

Google News
Google News
ખેડૂતોની સંખ્યા ડબલ થઈ જતાં 200ને બદલે 70 મણ ખરીદીના નિર્ણયનો વિરોધ 1 - image


MSP મુજબ મણના 1452ની સામે બજારમાં 700થી 1000ના ભાવ : ખેડૂતોને લૂંટવાનો પરવાનો આપી દીધાનો આક્ષેપ

જૂનાગઢ, : ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થાય તે પહેલા જ મોટો વિવાદ સર્જાઈ રહ્યો છે. ગત વર્ષની સરખામણીએ ટેકાના ભાવે મગફળી વેંચનાર ખેડૂતોની સંખ્યા ડબલ થઈ જતા ખરીદી ઓછી કરવાની ગતિવિધિ સામે ખેડૂતોમાં ભારોભાર રોષ ફાટી નીકળ્યો છે. ખેડૂતોને ટેકો આપવાને બદલે બજાર કિંમત ઓછી હોવાથી ખેડૂતો લૂંટાઈ રહ્યા છે ત્યારે જ સરકાર મોઢું ફેરવી જાય તે ચલાવી લેવામાં આવશે નહીં તેમ કહીને  ભારતીય કિસાન સંઘે કેન્દ્રીય કૃષિમંત્રીને કલેક્ટર મારફત આવેદનપત્ર આપી રજૂઆત કરી છે કે, ખેડૂતદીઠ 200 મણ મગફળી ખરીદી નહી થાય તો આંદોલન થશે.

ગત વર્ષે સરકાર દ્વારા ખેડૂતદીઠ 200 મણ મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી હતી. આ વખતે 70 મણ ખરીદી કરવાની ગતિવિધી ચાલી રહી છે. ભાજપની ભગીની સંસ્થા કિસાન સંઘ દ્વારા જ સરકારની આ નીતિનો વિરોધ કરવામાં આવ્યો છે. કિસાન સંઘ દ્વારા કલેક્ટરને રજુઆત કરવામાં આવી છે કે, ગત વખતે સાડા ચાર લાખ ખેડૂતોની 12.61 લાખ ટન મગફળીની સરકારે ખરીદી કરી હતી. આ વખતે 9 લાખ ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેંચવા રજીસ્ટ્રેશન કરાવ્યું છે જેથી સરકારે ખેડૂતદીઠ વધુમાં વધુ 70 મણ મગફળી લેવાનો નિર્ણય કર્યો છે તે વ્યાજબી નથી. જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે તે તમામ ખેડૂતોની વધુમાં વધુ 200 મણ મગફળી લેવામાં નહી આવે તો ખેડૂતોને સાથે રાખી કિસાન સંઘ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે. 

સરકાર દ્વારા મગફળીની નક્કી કરવામાં આવેલી એમએસપી એક મણના 1452 રૂપિયા છે જ્યારે બજારમાં 700થી 1000 રૂપીયાના ભાવે મગફળી વેંચાઈ રહી છે. દવા, ખાતર, બિયારણ મોંઘા થયા તેવા સમયે ખેડૂતોને ટેકો આપવાને બદલે સરકારની મીઠી નજર હેઠળ ખેડૂતોને લૂંટવાનો પરવાનો આપ્યો હોય તેવો ઘાટ સર્જાયો છે. 

Tags :