Surat Corporation : સુરત પાલિકામાં બહુ ગાજેલા ખજોદ કચરા કૌભાંડથી શાસકો ફફડી રહ્યાં છે અને પાલિકાની આજની સામાન્ય સભામાં કચરા કૌભાંડમાં ભાજપને ભીંસમાં લેવાનો પ્રયાસ કરનારા વિપક્ષી નેતાને સસ્પેન્ડ કરી દેવાયા હતા. વિપક્ષી નેતાએ સામાન્ય સભામાં કચરા કૌભાંડમાં સુરતની ઇમેજ બગડી રહી છે સુરતનું નાક કપાયું છે તેમ છતાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરાતા નથી આ ઉપરાંત ભાજપને કચરા કૌભાંડમાં કેટલા પૈસા મળ્યા તે આંકડો જાહેર કરવાની વાત કરતા સામાન્ય સભામાંથી વિપક્ષી નેતાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. ભાજપની આવી નીતિના કારણે કચરા કૌભાંડમાં કૌભાંડની ગંધ હવે બહાર આવી રહી છે.
સુરત શહેરમાંથી નીકળતા ધન કચરાના મલાઈદાર કોન્ટ્રાક્ટ માટે પાલિકાએ 213 કરોડનો કોન્ટ્રાક્ટ સીડી ટ્રાન્સપોર્ટને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. આ કોન્ટ્રાકટરે શહેરમાંથી નીકળતા કચરાનો નિકાલ પાલિકાની ડિસ્પોઝલ સાઈટ પર સાયન્ટીફિક રીતે કરવાનો રહે છે. પરંતુ એજન્સીને ભાજપના મોટા નેતાઓના આર્શીવાદ હોવાથી તે પાલિકાની શરતોને નેવે મુકીને કામગીરી કરી રહ્યાં છે. આ એજન્સીએ પાલિકાની ડમ્પિંગ સાઈટના બદલે 5 હજાર મેટ્રિક ટન જેટલો કચરો મહુવા તાલુકાના કાંકરીયા ગામે ઠાલવી દેવામાં આવ્યો હતો. આ કૌભાંડને ઢાંકવા માટે ભારે પ્રયાસ કરવામા આવ્યા હતા.
આ મુદ્દે ભારે હોબાળો થતાં કોન્ટ્રાકટરને અઢી કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે અને અધિકારીઓને શો કોઝ નોટિસ આપી તપાસ માટે કમિટી બનાવવામાં આવી છે. આ મુદ્દે ભાજપ શાસકો સામે આજની પાલિકાની સામાન્ય સભામાં વિપક્ષે ગંભીર આક્ષેપ કર્યા હતા. પાલિકાના વિપક્ષી નેતા પાયલ સાકરીયાએ કહ્યું હતું, કોન્ટ્રાક્ટ જેને આપ્યો હતો પરંતુ છેલ્લા દોઢ વર્ષનો કચરો ખજોદ ઠાલવ્યો છે તેમની સામે હજુ સુધી કેમ કોઈ પગલાં ભરાયા નથી? એકાઉન્ટ વિભાગમાંથી વિગત લીધી તેમાં 32 કરોડનું કામ કર્યું છે અને 32 કરોડનું પેમેન્ટ કર્યું છે કોઈ રનીંગ બિલ અટકાવવા નથી. એટલી હદ સુધી સુરતનું નાક કપાયું હોય ત્યારે અધિકારીઓ સામે કેમ કોઈ પગલાં ભરાયા નથી.
વધુમાં કહ્યું હતું. આ કચરા કૌભાંડમાં કમલમમાં ટકાવારી જાય છે. ભાજપને કેટલા ટકા જાય છે તે આંકડા જાહેર કરું એવું કહેતા જ શાસક પક્ષના અનેક સભ્યોએ હોબાળો મચાવ્યો હતો અને મેયરે તાત્કાલિક વિપક્ષી નેતા ને બેસી જવા કહ્યું અને તરત સસ્પેન્ડ કરી દીધા હતા. કચરા કૌભાંડ મુદ્દે વિપક્ષના આકરા વલણથી શાસકો બેકફૂટ પર આવી ગયાં છે તેના કારણે તપાસ સમિતિની તપાસ ધીમી પડી ગઈ છે તે અનેક પ્રશ્નો ઉભા કરી રહ્યાં છે.
તમે અધિકારીઓ પાસે કેટલા પૈસા લીધા ? બંગલા કોણે બનાવ્યા ? તેવા આક્ષેપ સામે થયાં
સુરત પાલિકાના કચરા કૌભાંડ બહાર આવ્યા બાદ લાંબો સમય સુધી મૌન રહેલા વિપક્ષ થોડા દિવસ પહેલા અચાનક આક્રમક બન્યો છે. આજે પાલિકાની સામાન્ય સભામાં કચરા કૌભાંડમાં કમલમમાં ટકાવારી જાય છે તેવા આક્ષેપ કર્યા હતા તો સામે પક્ષે ભાજપના કેટલાક કોર્પોરેટરોએ તમે અધિકારીઓ પાસે કેટલા પૈસા લીધા ? બંગલા કોણે બનાવ્યા ? તેવા આક્ષેપ કરવામાં આવ્યા હતા.
કચરા કૌભાંડ બહાર આવ્યા બાદ થોડો સમય સુધી વિપક્ષ ચુપ થઈ ગયો હતો પરંતુ આ કૌભાંડની હોહા થતા વિપક્ષ બહાર આવ્યો હતો. આજે પાલિકાની સામાન્ય સભામાં વિપક્ષી નેતાએ કચરા કૌભાંડમાં કમલમમાં પૈસા જાય છે અધિકારીઓ સામે પગલાં નથી ભરાતા તેવા આક્ષેપ કર્યા હતા. ભાજપે આ આક્ષેપને નકારવાના બદલે તમે અધિકારીઓ પાસે કેટલા પૈસા લીધા ? બંગલા કોણે બનાવ્યા ? તેવા આક્ષેપ સાથે તમારે કારણે અધિકારીઓ નો ભોગ લેવાયો છે તેવા આક્ષેપ કર્યા હતા. આ સામ સામે આક્ષેપના કારણે કચરા કૌભાંડમાં બધા જ ગંધાઈ રહ્યાં છે તેવો માહોલ ઉભો કરાયો હતો.


