જામનગર પાલિકામાં ભ્રષ્ટાચાર મુદ્દે વિપક્ષનો હલ્લાબોલ, મેયરની ઓફિસે લાગાવ્યો ‘ભ્રષ્ટાચારનો હાર’
Jamnagar News: જામનગર મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચારના મુદ્દે વિરોધ પક્ષ કોંગ્રેસે આજે નવતર રીતે વિરોધ પ્રદર્શન કરીને ભારે હંગામો મચાવ્યો હતો. ગેરહાજર મેયરની કચેરીના દરવાજે આવેદનપત્ર અને ગંદકીના ફોટા ચોંટાડી તેના પર નકલી ચલણી નોટોનું તોરણ લગાવી વિરોધ કરાયો, જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને રૂબરૂ નકલી નોટો આપીને "જો પ્રજાના કામ પૈસાથી થતા હોય, તો અમે પણ ભ્રષ્ટાચારના રૂપિયા આપવા તૈયાર છીએ" તેવી ટકોર કરી હતી.
ભ્રષ્ટાચાર સામે કોંગ્રેસનો આક્રોશ
જામનગર શહેરમાં રસ્તાના કામો અને અન્ય વિકાસ કાર્યોમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો ઘણા સમયથી થઈ રહ્યા છે. શહેરની અનેક ગલીઓ અને કેનાલો કચરાથી ભરેલી છે, અને રસ્તાઓની હાલત અતિશય ખરાબ બની ગઈ છે, જેના કારણે પ્રજાના પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે. આ મુદ્દાઓને લઈને આજે કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાની આગેવાની હેઠળ કોંગ્રેસના કોર્પોરેટરો અને કાર્યકરોએ મહાનગરપાલિકાની કચેરીમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.
મેયરની ઓફિસે 'ગુલાબી' વિરોધ
મેયર ગેરહાજર હોવાથી વિરોધ પક્ષે તેમની કચેરીના દ્વારને નિશાન બનાવ્યું હતું. મેયરની ચેમ્બરના દરવાજે આવેદનપત્ર ચોંટાડવામાં આવ્યું હતું, જેમાં ભ્રષ્ટાચારને કારણે શહેરની કથળી ગયેલી હાલતનો ઉલ્લેખ હતો. આ સાથે, એક પ્રતિકાત્મક સંદેશ આપતા, ડુપ્લીકેટ રૂ. 2,000ની ચલણી નોટોનું તોરણ મેયરની ચેમ્બરના દ્વાર પર લગાવવામાં આવ્યું હતું, અને એમ દર્શાવવામાં આવ્યું હતું કે જો પૈસાના જોરે કામ થતા હોય તો વિરોધ પક્ષ પણ "ભ્રષ્ટાચાર રૂપી નોટો" આપવા તૈયાર છે, જેથી જામનગર શહેરને "ગુલાબી" બનાવી શકાય. આ ઉપરાંત, ખરાબ રસ્તાઓ અને ગંદકીના ફોટા પણ મેયર ચેમ્બરના દરવાજા પર ચોંટાડી વાસ્તવિકતા દર્શાવવામાં આવી હતી.
આ પણ વાંચો: પંજાબમાં ભયંકર અકસ્માત, બસ પલટી જતાં 10ના મોતની આશંકા, અનેક ઈજાગ્રસ્ત
સ્ટેન્ડિંગ ચેરમેનને રૂબરૂ 'નોટો' અર્પણ
આટલેથી ન અટકતા, વિરોધ પક્ષના નેતા ધવલ નંદા, કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા અને અન્ય કોંગી કોર્પોરેટરો તેમજ કાર્યકરો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરાની કચેરીમાં પહોંચ્યા હતા. ત્યાં હાજર ચેરમેનને આવેદનપત્રની એક નકલ આપવામાં આવી હતી અને સાથે જ ડુપ્લીકેટ રૂ. 2,000ની ચલણી નોટો ટેબલ પર પાથરી હતી. આ પ્રતિકાત્મક રીતે તેઓએ જણાવ્યું કે, "જામનગરને ગંદકીના સામ્રાજ્યમાંથી મુક્ત કરાવી આપવા અમે પણ ભ્રષ્ટાચારની રકમ આપવા તૈયાર છીએ."
કોંગ્રેસના આ નવતર અને આક્રમક વિરોધ પ્રદર્શને મહાનગરપાલિકાના વર્તુળોમાં ભારે હલચલ મચાવી દીધી હતી અને ભ્રષ્ટાચારના મુદ્દાને ફરી એકવાર કેન્દ્રસ્થાને લાવ્યો હતો.