ગેરકાયદે ગોડાઉન અને વજનકાંટા સામે કાર્યવાહીની વિપક્ષની માગ
સળિયા,એંગલ જેવો સામાન ભરી દોડતા વાહનોથી અકસ્માતની ભીતિ

શહેરના પ્રતાપનગર- સોમાતળાવ માર્ગ પર ગેરકાયદે ચાલતા ગોડાઉન તથા વજનકાંટા બંધ કરાવવા અને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર ભારદારી વાહનો સામે કાર્યવાહી કરવા વિપક્ષે મ્યુ. કમિશ્નર તથા પો. કમિશ્નરને રજૂઆત કરી છે.
પ્રતાપનગર-સોમાતળાવ માર્ગ પર સતત લોકોની અવરજવર રહે છે. આ માર્ગ પર ગેરકાયદે ચાલતા ગોડાઉન તથા વજનકાંટા અને વાહનોની બોડીની બહાર નીકળે તે રીતે સળિયા, લોખંડની એંગલ,પ્લેટો સહિતનો સામાન ભરી વાહનો યમદૂત માફક દોડી રહ્યા છે. પોલીસના સીસીટીવી કેમેરા અને ટ્રાફિક પોલીસ તૈનાત હોવા છતાં આવા વાહનો બિન્દાસ્ત હેરાફેરી કરી રહ્યા છે.
આ માર્ગ ૫૨ બે સ્કૂલ આવેલી હોઈ ૮ હજાર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આવા વાહનો ક્યારેક ગંભીર દુર્ઘટનાને નોતરું આપી શકે છે. જેથી પો.કમિશ્નરના જાહેરનામાનો ભંગ કરનાર ગોડાઉન - વજનકાંટા સંચાલક અને નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનચાલકો સામે કાર્યવાહીની માગ કરાઈ છે.

