સુરત પાલિકાની સતત બીજી સામાન્ય સભામાં વિપક્ષની ગેરહાજરી, સત્ર શરૂ થશે તેના પહેલાં જ દિવસે વિદ્યાર્થીઓને ગણવેશ-બુટ મોજા આપવાનો શાસકોનો દાવો
Surat Corporation : સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આજે સામાન્ય સભા મળી હતી. આ સભામાં શાસકોએ સત્ર શરૂ થયાના પહેલા જ દિવસે વિદ્યાર્થીઓને ગણવેશ સાથે બુટ મોજા આપવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ભારતીય સેનાએ આતંકીઓના અડ્ડા પર ત્રાટકીને સફાયો કર્યો તે માટે વડાપ્રધાન અને ભારતીય સેનાને અભિનંદન આપતો ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો હતો. જોકે, શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં વિપક્ષની સતત બીજી વખત ગેરહાજર જોવા મળ્યા હતા.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા શરૂ થવાને ગણતરીના દિવસો પહેલાં સમિતિની સામાન્ય સભા આજે મળી હતી. આ સભામાં વિપક્ષની ગેરહાજરીમાં અધ્યક્ષ રાજેન્દ્ર કાપડીયાએ ભારતીય સેનાએ કરેલા ઓપરેશન સિંદુરની સફળતા માટે દરખાસ્ત રજૂ કરી હતી. તેઓએ સેના અને વડાપ્રધાનને અભિનંદન આપતી દરખાસ્ત રજૂ કરી હતી તે સર્વાનુમતે મંજૂર કરવામાં આવી હતી.
દરમિયાન આગામી સત્રમાં વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટ, બુટ મોજા, સ્પોર્ટસ બુટ મોજા, અને પ્રવેશોત્સવ માટે કીટ સ્કુલ બેગ 53.27 કરોડના ખર્ચે ખરીદી કરી તે દરખાસ્ત રજુ કરવામાં આવી હતી. જેમાં વિનોદ ગજેરા, યશોધર દેસાઈ અને રાકેશ ભીખડીયાએ પોતાનો મત રજૂ કર્યો હતો. તેઓએ કહ્યું હતું કે પહેલી વાર શાળા સત્ર શરૂ થયાના પહેલા જ દિવસે વિદ્યાર્થીઓને આ વસ્તુઓનું વિતરણ શરુ કરી દેવામાં આવશે. સમિતિની સભા શરૂ થઈ તે પહેલા ભાજપે રાજીનામું લઈ લીધું હતું તેવા પૂર્વ અધ્યક્ષ ધનેશ શાહની જગ્યાએ શૈલેષ શુક્લની નિમણુંક બાદ આ પહેલી સભામાં ભાજપ શાસકોએ તેમને આવકાર્યા હતા.