ગાડી વેચવામાં ઠગાઈ ખોટી ફરિયાદ લખાવી, સરખેજ પોલીસની તપાસમાં અફિણના નેટવર્કનો પર્દાફાશ
પોલીસે 1 લાખનું અફીણ કબ્જે કરીને 4 આરોપીઓની ધરપકડ કરી
અમદાવાદઃ ગુજરાતમાં અન્ય રાજ્યમાંથી વિદેશી દારૂ સહિતના માદક પદાર્થો ઘૂસાડવામાં આવી રહ્યાં હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. ગઈકાલે અમદાવાદમાંથી ત્રણ કિલોથી વધુ ગાંજાનો જથ્થો ઝડપાયો હતો. જ્યારે આજે ગોતા વિસ્તારમાં દારૂનું આખે આખુ ગોડાઉન ઝડપાયું છે. હવે શહેરના સરખેજ વિસ્તારમાં ગાડીના ઠગાઈ કેસમાં તપાસ કરતા અફીણના નેટવર્કનો પર્દાફાશ થયો છે. આરોપીએ અફીણના પૈસા મેળવવા ગાડી ચોરી અંગેની ખોટી ફરિયાદ કરી હતી.સરખેજ પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી 1 લાખનું અફીણ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
મામલો ગાડીનો નહીં પણ અફિણનો નીકળ્યો
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદમાં હરીપ્રકાશ જાટ નામનો આરોપીએ ગાડી વેચવા આવ્યો હોવાની સ્ટોરી ઉભી કરીને ઠગાઈ થયાની અરજી પોલીસ સ્ટેશનમાં કરી હતી. જેમાં બેનારામ નામના વ્યક્તિએ ગાડી વેચાણનું કહીને તેની પાસેથી 3 લાખ લઈને ઠગાઇ કરી હોવાનો આક્ષેપ કર્યો હતો.જે અંગે પોલીસે શોધખોળ કરતા પોલીસ આરોપી બેનારામ રબારી, મુકેશ રાયકા અને જૂજર રબારી સુધી પહોંચી હતી. આ ત્રણેયની પુછપરછ કરતાં ગાડીને લઈને ઠગાઈ નહિ પરંતુ અફીણના પૈસાની લેતી દેતીનો ખુલાસો થયો હતો.
પોલીસ સ્ટેશનમાં આરોપીએ ખોટી ફરિયાદ લખાવી
સરખેજ પોલીસના જણાવ્યા પ્રમાણે ફરિયાદી હરિપ્રકાશ જાટ રાજસ્થાનમા અફીણનો ધધો કરતો હતો. જ્યારે આરોપી બેના રામ રબારી અફીણનો બંધાણી છે. બેનારામને અફીણ ખરીદવું હતુ માટે હરિપ્રકાશનો સંપર્ક ર્ક્યો હતો. હરિપ્રકાશ એક કિલો અફીણનો જથ્થો લઈને અમદાવાદ આવ્યો ત્યારે આરોપીઓ અફીણનો જથ્થો લઈ ગયા અને પૈસા ચૂકવ્યા નહતા. બેનારામનું માનવું હતું કે હરિપ્રકાશ અફીણને લઈને ફરિયાદ નહિ કરી શકે પરંતુ હરિપ્રકાશે અફીણના પૈસા મેળવવા ખોટી અરજી કરી કે બેલારામે ગાડીનું વેચાણ કરવાનું કહીને તેનો સંપર્ક કર્યો અને 3.20 લાખમાં ગાડીનો સોદો કર્યો હતો. જેમાં તે અને ડ્રાઈવર 3 લાખ તેમજ ગાડી લઈને આરોપી ફરાર થઇ ગયા.
પોલીસે અફીણના નેટવર્કનો પર્દાફાશ કર્યો
આ ઠગાઈની ફરિયાદની તપાસ દરમ્યાન પોલીસે રાજસ્થાનથી ગુજરાતમાં ઘૂસાડવામાં આવતાં અફીણના નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે ગાડી મામલે પુછપરછ આદરી હતી. પરંતુ ગાડી બેનારામની નહીં પણ તેના સંબંધીઓની નીકળી હતી. જેથી પોલીસને આ કેસ ગાડીનો નહીં પણ અફિણનો હોવાનું તપાસમાં જાણવા મળ્યું હતું.સરખેજ પોલીસે કારની ઠગાઈની ખોટી અરજી અંગે તપાસ કરતા પણ મોટા ગુનાનો ભેદ ઉકેલાયો અને 1 લાખથી વધુની કિંમતનું અફીણ કબ્જે કરવામાં આવ્યું. હાલ પોલીસે આરોપીઓ અગાઉ ક્યાં અને કઈ જગ્યાએ અફીણની હેરાફેરી કરી ચૂક્યા છે તે જાણવા રીમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.