ઓપરેશન સિંદૂર : સેનાના શૌર્ય ઉપર ગર્વ, આતંકવાદીઓનું નામોનિશાન ભુંસી નાંખો
- ધર્મ પૂછીને માર્યા હતા, ધર્મ કહીંને બદલો લીધો...
- ભારતીય સૈન્યએ પહલગામ આતંકી હુમલાના કરેલાં વળતાં પ્રહારથી વીરગતિ પામેલા ભાવનગરના પિતા-પુત્રને સાચી શ્રધ્ધાંજલી મળીઃ હતભાગી પરિવાર
શહેરના કાળિયાબીડ વિસ્તારમાં રહેતા અને ગત ૨૨મી એપ્રિલે પહલગામની ભયાનક આતંકી ઘટનામાં મૃત્યુને ભેટેલા યતીનભાઈ સુધીરભાઈ પરમારના પત્ની કાજલબેનએ ભારતીય સેનાએ મધરાત્રે પીઓકેમાં ઘૂસી આતંકવાદીઓ ઉપર કરવામાં આવેલી પ્રચંડ સૈન્ય કાર્યવાહીને બિરદાવી છે. તેમણે પહલગામ ઘટનાની હૃદયદ્રાવક યાદો વગોળતા જણાવ્યું હતું કે, મોરારિબાપુની કથામાંથી તેણી તેમના પતિ, પુત્ર સહિત ૧૨ લોકો સાથે પહલગામ ફરવા ગયા હતા. ત્યાં પહોંચતા કઈક અઘટિત થવાના એંધાણ મળી રહ્યા હોય તેમ મન માનતું ન હતું. પરંતુ ઘોડાવાળાઓ જબરજસ્તી બેસાડી લઈ ગયા હતા અને પહોંચ્યા ત્યાં ફરી વખત અંતર આત્મામાંથી સ્થાનિકો ઉપર વિશ્વાસ ન હોવાનો અવાજ આવ્યો હતો. હજુ પાંચ જ મિનિટ થઈ ત્યાં જ ગોળીઓનો અવાજ આવવા લાગતા જીવ બચાવીને તમામ લોકો ભાગવા માંડયાં હતા. એવા સમયે પાછું વળીને જોતા પુત્ર સ્મિતને નીચે સૂવાનું કહ્યું અને હજુ તેણી બચાવવા દોડે ત્યાં આતંકવાદીઓએ પતિ યતીનભાઈને માથાના ભાગે અને પુત્રને બે જગ્યાએ ગોળીઓ ધરબી દેતા લોહી લુહાણ હાલતમાં જમીન પર પડેલા બન્નેના સ્થળ પર જ મોત થયા હતા.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, મારા ઉપર જે દુઃખ આવ્યું છે, એ દેશની કોઈ માઁ-બહેન ઉપર ન આવે. સેનાએ જે પરાક્રમ કરી પહલગામનો બદલો લીધો છે, તેનાથી ખૂબ શાંતિ મળી છે. સેનાના શૌર્ય ઉપર ગર્વ છે અને આતંકવાદીઓનું નામોનિશાન ભુંસી નાંખ્યું હોયે તેવી લાગણી વ્યક્ત કરી હતી. જ્યારે તેમના પુત્ર અભિભાઈએ 'ઓપરેશન સિંદૂર'ની પ્રશંસા કરી આતંકવાદીઓને તેમના જ ઘરમાં ઘૂસી સેનાએ જડબાતોડ જવાબ આપયાની ઘટના અંગે ગર્વ અનુભવ્યો હતો. તેમણે કહ્યું કે, આતંકી હુમલામાં મેં મારા પિતા અને ભાઈ ગુમાવ્યા છે. એ લોકોએ ધર્મ પૂછીને માર્યા હતા, ભારતીય સેનાએ ધર્મ કહીંને નર્કમાં મોકલી દીધા છે. સેનાના પરાક્રમી સાહસથી મારા ભાઈ અને પિતાને ૧૫ દિવસ બાદ સાચી શ્રધ્ધાંજલી મળી છે તેમ જણાવ્યું હતું.