Get The App

IPL અને T20 વર્લ્ડ કપ પહેલા સટ્ટા એપ્લિકેશન બજાર ગરમ, વિદેશોમાં થઈ રહ્યું છે સંચાલન

ભારતમાં ઓનલાઈન સટ્ટો ગેરકાયદેસર હોવાથી વિદેશથી સંચાલન

IPL અને T20 વર્લ્ડ કપની તૈયારીમાં બૂકી બેટિંગ એપ્લિકેશનનું બજાર નિરંકૂશ

Updated: Mar 4th, 2024

GS TEAM


Google News
Google News
IPL અને T20 વર્લ્ડ કપ પહેલા સટ્ટા એપ્લિકેશન બજાર ગરમ, વિદેશોમાં થઈ રહ્યું છે સંચાલન 1 - image


Ahmedabad News: લોકસભાની ચૂંટણી સાથે જ ભારતમાં આઈપીએલ અને T20 વર્લ્ડ કપ સાથે ક્રિકેટજુવાળ જાગવાનો છે. રાજકીય પક્ષો ચૂંટણીની તૈયારી કરી રહ્યાં છે તો બુકી બજાર સટ્ટા એપ્લિકેશનોની બજારને ગરમ કરી ચૂક્યાં છે. ભારતમાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટો ગેરકાયદેસર છે છતાં ક્રિકેટ અને ઓનલાઈન ગેમિંગની એપ્લિકેશનો બનાવવાની બજાર અમદાવાદ અને ગુજરાતમાં ગરમાગરમ છે. 10 લાખથી 30 લાખના ખર્ચે આવી ગેરકાયદે એપ્લિકેશનો વેચવામાં આવે છે. સટ્ટાના આવા સોફ્ટવેરની આઈ.ડી. બુકીઓ પન્ટરને વેચે છે અને પન્ટરો સટ્ટાનું બુકીંગ કરે છે. ગુજરાતમાં જ ગેરકાયદે સટ્ટા એપ્લિકેશનો બનાવવાનો અને પૈસાની હેરાફેરી માટે બેંક એકાઉન્ટસ ભાડેથી મેળવવાનો ગોરખધંધો બેરોકટોક ચાલે છે. એપ્લિકેશનોની બજાર નિરંકૂશ બનતાં ખાળે ડૂચા, દરવાજા મોકળા જેવી સ્થિતિ વચ્ચે બુકી બજાર આવનારી ક્રિકેટ ટૂર્નામેન્ટોમાં અબજો રૂપિયાની હેરાફેરી માટે તૈયાર થઈ ચૂકીં છે.

ઓનલાઈન ગેમિંગ કંપનીઓને ટેક્સના દાયરામાં લાવવાની દિશામાં કાર્યવાહી

માર્ચથી આઈપીએલ, જૂનથી T20 વર્લ્ડ કપ અગાઉ સટ્ટા એપ્લિકેશનો બનાવવા ગુજરાતમાં ધમધમાટ: ખાળે ડૂચા, દરવાજા મોકળા જેવો તાલ ક્રિકેટ સટ્ટાના પૈસાની હેરાફેરી કરતાં બેન્ક એકાઉન્ટમાં 'તોડબાજીનું તરલ પ્રકરણ' ગુજરાત પોલીસની આબરૂ ધૂળધાણી કરી રહ્યું છે ત્યારે બુકી બજાર માર્ચ મહીનાના અંતથી શરૂ થનારી આઈપીએલ તેમજ જુનમાં રમાનાર T20 વર્લ્ડ કપની તૈયારીમાં ગળાડૂબ બની છે. ભારતમાં ક્રિકેટ સટ્ટો અને ઈ-ગેમિંગ સટ્ટો પ્રતિબંધીત છે. ભારત સરકાર આ માટે કાયદા ઘડવા અથવા તો ઓનલાઈન સટ્ટાને કાયદેસર બનાવવાની દિશામાં વિચારણા કરી રહી છે. ગંભીર સ્થિતિ એ છે કે, ઓફ-શોર બેટિંગ થકી ભારતમાંથી વિદેશના ખાતાંઓમાં પૈસા જતાં રહે છે, તેવા સટ્ટા અને ઈ ગેમિંગ ઉપર પૂર્ણરૂપે અંકુશ નથી. આ કારણે ઓનલાઈન ગેમિંગ કંપનીઓને ટેક્સના દાયરામાં લાવવાની દિશામાં કાર્યવાહી ચાલી રહી છે. સાથે જ ઓનલાઈન ગેમ્બલિંગ માટે કડક કાયદા ઘડવાની દિશામાં પણ કાર્યવાહી ચાલી રહી છે. સટ્ટા કે ઈ- ગેમિંગ માટે લાઈસન્સ પ્રક્રિયા થાય તો સરકારને મસમોટી આવક થાય તેમજ આ પ્રકારે નસીબ અજમાવનારાંઓ સાથે થતી છેતરપિંડીઓ ઉપર અંકુશ આવી શકે તેમ છે. સૌથી મોટી બાબત, ભારતના નાણાં બેનંબરી રીતે વિદેશમાં ઠલવાતાં અટકી શકે છે. સાથે જ, બેંક એકાઉન્ટસના ગેરકાયદે ઉપયોગના નેટવર્ક ઉપર પણ અંકુશ આવી શકે છે.

એપ્લિકેશનોના સર્વર અને સટ્ટાના પૈસાની હેરાફેરીનું હબ શ્રીલંકા

કાયદાઓ ઘડાય તેવી સંભાવના વચ્ચે ચાલુ વર્ષે તો આઈપીએલ અને T20 વર્લ્ડ કપમાં અબજો રૂપિયાનો સટ્ટો રમાડવા માટે બુકી બજાર સજ્જ બની ચૂકી છે.  સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, એક સમય હતો કે જ્યારે આંગળીના વેઢે ગણી શકાય તેવા મોટા ગજાના બુકીઓ ક્રિકેટ સટ્ટાની માર્કેટ ચલાવતાં અને વિશ્વાસે ધંધો ચાલતો હતો. છેલ્લા પાંચ વર્ષથી સટ્ટો અને ઈ-ગેમિંગનો જમાનો આવી ગયો છે.  હવે તો, એક સમયે બુકીના હાથ નીચે કામ કરતાં પન્ટરો પણ પોતાની સટ્ટા અને ઈ-ગેમિંગ એપ્લિકેશન બનાવડાવવા લાગ્યાં છે. આવી 500થી વધુ સટ્ટા એપ્લિકેશનો અત્યારે કાર્યરત છે. બુકી બજારમાં હરિફાઈ એ હદે વધી ગઈ છે અને પન્ટરો તેમજ ખેલીઓને પણ પ્રિમિયમની ઓફર આપી લલચાવવામાં આવે છે. જો કે, એપ્લિકેશનો અને આઈડી થકી થતી નાણાંની આવક અને લેવડદેવડ અમુક નિશ્ચિત વ્યક્તિઓના હાથમાં સીમિત રહી છે. હાલમાં એપ્લિકેશનોના સર્વર અને સટ્ટાના પૈસાની હેરાફેરીનું હબ શ્રીલંકા બની ચૂક્યું છે. ગુજરાતના અનેક યુવકોને રાત-દિવસ કાર્યરત રહેતાં સટ્ટાના પૈસાની હેરાફેરીના કન્ટ્રોલ રૂમમાં વધુ પૈસાની લાલચ આપી લઈ જવામાં આવે છે. આ પછી આ યુવકોના પાસપોર્ટ કબજે કરી લઈને આર્થિક શોષણ કરવામાં આવે છે. થોડા મહિના કામ કરે એટલે જૂની ટીમને પરત મોકલી નવી ટીમ કાર્યરત કરવાની ચાલાકી બૂકીઓ કરે છે.

કાયદાની માયાજાળથી બચવા બુકીઓનો નવો પેતરો

ભારતમાં સટ્ટો અને ઈ-ગેમિંગ ગેરકાયદે હોવાથી ઓનલાઈન સટ્ટાના સર્વર વિદેશમાં છે. કાયદાની માયાજાળથી બચવા માટે બુકીઓ એપ્લિકેશન થકી સટ્ટો રમાડે છે અને પૈસાની હેરાફેરી ઓનલાઈન થાય છે. આ માટે બુકીઓ એક એપ્લિકેશન બનાવે છે. આ એપ્લિકેશનની આઈડી બુકીઓ પન્ટરને આપે છે અને પન્ટર સટ્ટો બુક કરે છે. સટ્ટાના પૈસાની હેરાફેરી માટે 5000 રૂપિયામાં બેંક એકાઉન્ટ ભાડે લઈને બુકીઓને એકથી ત્રણ લાખ રૂપિયામાં વેચવામાં આવે છે. કોઈ બુકીના એકાઉન્ટમાં જે પૈસા નાંખવામાં આવે તે જમ્પ થઈને પૈસા તરત જ વિથ્ડ્રો કરવાનું નેટવર્ક પણ  આયોજનબધ્ધ ચાલે છે.

કેન્દ્ર સરકાર સટ્ટાખોરીથી ભારતીય નાણાંને ગેરકાયદેસર રીતે વિદેશ જતું અટકાવવા માટે પ્રયત્નશીલ છે. સાથે જ ગેરકાયદે સટ્ટાબુકીંગ કરતી એપ્લિકેશનો ઉપર તવાઈ લાવવામાં આવે છે. પરંતુ, વિવિધ સરકારી વિભાગો વચ્ચે ચૂસ્ત સંકલનના અભાવ તેમજ બુકીઓના મજબૂત નેટવર્કના કારણે એક એપ્લિકેશન પ્રતિબંધીત કરાય તો બુકીઓ કલાકોમાં જ બીજા નામે બીજી સટ્ટા એપ્લિકેશન એક્ટિવ કરી દે છે. રૂપિયાનો ખેલ છે તેવી સટ્ટા બજારનાં સૂત્રો ઉમેરે છે કે- આઈપીએલ અને T20 વર્લ્ડ કપની તૈયારીના ભાગરૂપે એપ્લિકેશનોની બજાર ગરમ છે. વિદેશ બેઠાં હોવાથી ભારતના કાયદાઓથી બુકીબજાર બેઅસર, બેફીકર અને બિન્દાસ્ત છે.

ક્રિકેટ સટ્ટો અને ઈ ગેમિંગના પૈસાની હેરાફેરીનું શ્રીલંકા હેડકવાર્ટર, ગુજરાતનો દિલીપ સુત્રધાર

એક સમયે દુબઈથી સંચાલન થતું હતું તે ક્રિકેટ સટ્ટો અને ઈ - ગેમિંગના પૈસાની હેરાફેરીનું હેડકવાર્ટર હવે શ્રીલંકા બની ગયું છે. ક્રિકેટ, ફૂટબોલ, રગ્બી,બાસ્કેટ બોલની મેચો ઉપર સટ્ટા ઉપરાંત પોકર અને રમીનો જુગાર એપ્લિકેશનથી ધૂમ રમાય છે. આ જુગારના પૈસા વિથ્ડ્રોઅલ આવે તે એકાઉન્ટમાં હેરાફેરી કરવાનું તેમજ  ચાઈનીઝ એપ્લિકેશનના પૈસા જમ્પ કરવાનું કામ ગુજરાતનો દિલીપ ચૌધરી નામનો શખ્સ સંભાળે છે. શ્રીલંકામાં સતત 24 કલાક ચાલતાં પૈસાની હેરાફેરીના નેટવર્ક માટે ભારતના 5000થી વધુ બેંક ખાતાં ભાડેથી મેળવીને મેનેજ કરવા, ઓફશોર એકાઉન્ટસમાં પૈસાની વિદેશમાં અને ફરી ભારતમાં હેરફેર માટે ભારતથી માણસો શોધીને શ્રીલંકામાં કામે લગાવવા સહિતની કામગીરી દિલીપ સંભાળે છે. પહેલી વખત ખાસ એજન્સીના રડારમાં આવેલા દિલીપ ચૌધરી તરીકે ઓળખાતાં યુવકના નેટવર્કને ધ્વસ્ત કરવાની દિશામાં તપાસ આરંભાઈ છે.

કેન્દ્ર સરકારે 174 બેટિંગ અને ગેમિંગ એપ્લિકેશન ઉપર પ્રતિબંધ મુક્યો તો નામ બદલ્યાં

કેન્દ્ર સરકારે ઈ.ડી.ના રિપોર્ટના આધારે અનેક બેટિંગ અને ગેમિંત એપ્લિકેશન અને સાઈટ્સ ઉપર પ્રતિબંધ મુક્યો હતો. કેન્દ્રએ 174 બેટિંગ અને ગેમિંગ એપ્લિકેશન, સાઈટ્સ ઉપર પ્રતિબંધ મુક્યો હતો. હવાલા, ક્રિપ્ટો, મની લોન્ડરિંગ અને નાણાંની ગેરકાયદે હેરાફેરી ધ્યાન ઉપર આવતાં પ્રતિબંધ મુકાયો હોય તેવી એપ્લિકેશનો ફરી નામ બદલીને કાર્યરત કરી દેવાય છે. આથી, ગેરકાયદે એવો સટ્ટો ભારતમાં બેકાબૂ જણાય છે.

બેટિંગ આઈ.ડી. વેચવા અને ગેરકાયદે બેન્ક ખાતાં ભાડે રાખવાના મુળ ગુજરાતમાં ઊંડા છે

ક્રિકેટ સટ્ટો કે ઓનલાઈન ગેમિંગના મુળ ગુજરાતમાં ઊંડા ઉતરી ચૂક્યાં છે. સૂત્રોનું કહે છે કે, ક્રિકેટ સટ્ટાની એપ્લિકેશનો બનાવવા ઉપરાંત તેની સાથે સંકળાયેલાં બેટિંગ આઈડી વેચવા તેમજ પૈસાની હેરાફેરી માટે ગેરકાયદે બેન્ક ખાતાં ભાડે રાખવાના કારસ્તાન કરતી ટોળકીઓ ગુજરાતમાં કાર્યરત છે. આ નેટવર્ક એટલું મજબૂત છે કે, પોલીસ કે એજન્સીઓ આયોજનબધ્ધ રીતે તપાસ હાથ ધરે તો પણ તેને ધ્વસ્ત કરતાં મહિનાઓ વિતી જાય તેમ છે.

Tags :