આણંદ જિલ્લાના બજારોમાં પીઓપીની ગણેશજીની મૂર્તિઓનું ખૂલ્લેઆમ વેચાણ
- વેપારીઓ સામે કાર્યવાહી નહીં, કારીગરો દંડાય છે
- તા. 5 સપ્ટેમ્બર સુધી પીઓપીથી બનતી મૂર્તિઓ પર પ્રતિબંધના જાહેરનામાનો છડેચોક ભંગ
આણંદ : આણંદ જિલ્લામાં ગણેશ મહોત્સવની ઉજવણી માટે આયોજકો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. ત્યારે હાલ બજારમાં મોટાભાગની પીઓપીની મૂર્તિઓનું વેચાણ થતા સરકારના જાહેરનામાનો છડેચોક ભંગ થઈ રહ્યો છે.
આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે પર્યાવરણને નુકસાન કરતી પ્લાસ્ટર ઓફ પેરિસ (પીઓપી)ની મૂર્તિ બનાવવા અને ઉપયોગ અટકાવવા તા. ૫-૯-૨૦૨૫ સુધીનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું.
ત્યારે આણંદ જિલ્લામાં ગણેશ મહોત્સવને કારણે કારીગરો દ્વારા જાહેરમાં કે દુકાનોમાં પીઓપીની મૂર્તિનું વેચાણ કરાઈ રહ્યું છે. માટીથી બનાવવામાં આવેલી ગણપતિજીની મૂર્તિઓ કેટલાક મંડળો દ્વારા સ્થાપિત કરવામાં આવનારી છે.
જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ વહીવટી તંત્ર દ્વારા જિલ્લાની બજારમાં ખૂલ્લેઆમ વેચાતી પીઓપીની મૂર્તિઓના વેપારીઓ સામે કોઈ કાર્યવાહી કરાતી નથી. થોડા દિવસ પૂર્વે ઉમરેઠમાં પીઓપીની મૂર્તિ બનાવનારા કારીગર ઉપર પોલીસે કાર્યવાહી કરી હતી પરંતુ, પીઓપીની મૂર્તિઓ વેચનારા વેપારીઓ સામે કોઈ કાર્યવાહી થતી નથી. જેથી જાહેરનામાનો ખૂલ્લેઆમ ભંગ થઈ રહ્યો હોવાનું જણાઈ રહ્યું છે.
ગણેશ વિસર્જન બાદ પીઓપીની મૂર્તિ હોવાના કારણે પાણીમાં ઓગળી શકતીી ન હોવાથી ક્યારેક લોકોની ધાર્મિક લાગણી દુભાતી હોવાના કિસ્સાઓ પણ પ્રકાશમાં આવ્યા છે.
વહીવટી તંત્ર દ્વારા જાહેરનામાનો અમલ ન થતો હોય તો પછી જાહેરનામા પ્રસિદ્ધ કરવાનો કોઈ અર્થ નથી તેવા આક્ષેપ સાથે પ્રકૃતિપ્રેમીઓ કહી રહ્યા છે.
ગત વર્ષે કૃત્રિમકુંડ ન બનતા આયોજકો અગવડમાં મૂકાયા હતા
ગત વર્ષે ગણેશ વિસર્જન વખતે તંત્ર દ્વારા કૃત્રિમ કુંડ બનાવવાની અને મૂતઓ કુંડમાં વિસર્જન કરવાની જાહેરાત કરાઈ હતી. પરંતુ, છેલ્લે ઘડીએ કૃત્રિમ કુંડ બની ન શકતા આયોજકો અગવડમાં મૂકાયા હતા. નદી, તળાવમાં વિસર્જન કરવું પડયું હતું. વિદ્યાનગર, બાકરોલના આયોજકોને આણંદ લોટેશ્વર મહાદેવ સુધી વિસર્જન માટે આવવું પડયું હતું.
ગત વર્ષે સફળ ન થતા કૃત્રિમ કુંડનું હજૂ આયોજન થયું નથી : ડે. કમિશનર
મહાપાલિકાના ડેપ્યુટી કમિશનર એસ. કે. ગરેવાલે જણાવ્યું હતું કે, ગણેશ વિસર્જન માટેના કૃત્રિમ કુંડ સંદર્ભે હજુ આયોજન થયું નથી, ગત વર્ષે આયોજન સફળ થયું ન હોવાના કારણે હજુ ચર્ચા- વિચારણા ચાલી રહી છે.
રૂા. 201 થી 12,000 સુધીની મૂર્તિઓનું બજારમાં વેચાણ
આણંદ શહેરના તાલુકા મથકોએ આકર્ષક શ્રીજીની પ્રતિમાઓનું હાલ વેચાણ થઈ રહ્યું છે. ત્યારે રૂા. ૨૦૦ની નાની મૂતથી માંડીને પાંચ ફૂટની રૂા. ૧૨ હજારની મૂતઓ બજારમાં જોવા મળી રહી છે. આયોજકો દ્વારા હવે મૂતઓનું એડવાન્સ બૂકિંગ કરાવવાનું પણ શરૂ કરી દેવાયું છે.
મહાપાલિકાના 5 તળાવના તળિયા દેખાતા વિસર્જન વખતે મુશ્કેલી
કરમસદ આણંદ મહાપાલિકાના પાંચ જેટલા તળાવોના હાલ તળિયા દેખાઈ રહ્યા છે. તળાવમાં ટીપુ પણ પાણી નથી. જેથી આણંદ, વિદ્યાનગર, કરમસદ, બાકરોલના ગણેશ મહોત્સવના આયોજકોને ચાલુ વર્ષે શ્રીજીના વિસર્જન વખતે તકલીફ પડવાની સંભાવનાઓ છે.