Gujarat

વડોદરા અને આસપાસના જિલ્લાના ખુલ્લા ગોડાઉનો જોખમી બન્યા,ફાયર સેફ્ટીનું કોઇ ચેકિંગ નહિ

By GS TEAM
21 Apr 20262 mins read
વડોદરા અને આસપાસના જિલ્લાના ખુલ્લા ગોડાઉનો જોખમી બન્યા,ફાયર સેફ્ટીનું કોઇ ચેકિંગ નહિ
symbolic
વડોદરાઃ વડોદરા તેમજ અન્ય જિલ્લાઓમાં સ્ક્રેપના ગોડાઉનો ફાયર સેફ્ટીના અભાવે જોખમી બની રહ્યા છે.જેને કારણે ગોડાઉનોમાં આગના બનાવો સતત બની રહ્યા છે.

હોસ્પિટલ,કોમ્પ્લેક્સ,ટયુશન ક્લાસ, મલ્ટિ પ્લેક્સ જેવા સ્થળોની જેમ  સ્ક્રેપના ગોડાઉનો માટે ફાયર સેફ્ટીના નિયમો હોવા છતાં તેનો કડક અમલ થતો નહિ હોવાથી આવા ગોડાઉનો જોખમી બનતા હોય છે.અનેક કિસ્સાઓમાં નજીકના રહેણાંક વિસ્તારોમાં ધુમાડા ફેલાતા હોવાનો પણ કિસ્સા બનેલા છે.

આ ઉપરાંત સૌથી ગંભીર બાબત એ છે કે,સ્ક્રેપના ગોડાઉનમાં સળગી ઉઠે તેવી પ્લાસ્ટિક,પૂંઠા,કાગળો,કારબા જેવી ચીજો વધુ પ્રમાણમાં હોય છે.તો કેમિકલ વેસ્ટ પણ રાખવામાં આવતો હોય છે.

આગના બનાવ બને ત્યારે ફાયરમેન પાસે સ્ક્રેપમાં કઇ ચીજો હશે તેનો અંદાજ નહિ હોવાથી તેમના જાનનું જોખમ વધી જાય છે.અગાઉ આવી કામગીરી દરમિયાન બ્લાસ્ટના બનાવ બન્યા હોવાની અને તેમાં ફાયરમેન દાઝ્યા હોવાના કિસ્સા પણ બન્યા છે.જેથી ફાયર સેફેટીના મુદ્દે અન્ય ઇમારતોની જેમ સ્ક્રેપના ગોડાઉનો માટે ઝુંબેશ થતી નહિ હોવાથી તંત્ર સામે સવાલ થઇ રહ્યા છે.

પંદર દિવસ પહેલાં હાલોલમાં આઠ ગોડાઉન અને બે મકાનમાં આગ લાગી હતી

પંદર દિવસમાં ગોડાઉનમાં આગ લાગવાના બે કિસ્સાએ ફાયર બ્રિગેડના નાકે દમ લાવી દીધો હતો.

પંદર દિવસ પહેલાં હાલોલ રોડ પર એક ગોડાઉનમાં લાગેલી આગ એટલી ભીષણ બની હતી કે તેની આસપાસના સાત થી આઠ ગોડાઉન પણ ચપેટમાં આવી ગયા હતા.આ ઉપરાંત બે મકાનને પણ નુકસાન થયું હતું.

ઉપરોક્ત  બનાવ બાદ ગઇરાત્રે વાઘોડિયા ચોકડી પાસે એક ગોડાઉનમાં લાગેલી આગના દ્શ્યો પણ ગભરાવી મૂકે તેવા હતા,જેને કાબૂમાં લેતાં બે કલાક જેટલો સમય લાગ્યો હતો.