Gujarat

આણંદમાં ખુલ્લી વીજ ડીપી, લટકતા વાયરોના લીધે 25 સોસાયટીને જોખમ

By GS TEAM
11 Nov 20251 min read
આણંદમાં ખુલ્લી વીજ ડીપી, લટકતા વાયરોના લીધે 25 સોસાયટીને જોખમ

રજૂઆતને મહિનો થવા છતાં વીજ તંત્રના ઠાગાઠૈયા

નાની અને મોટી ખોડિયાર મંદિરો વચ્ચેના રસ્તે પ્રોટેક્શન બોક્સ વગરની ડીપીથી શોર્ટસર્કિટનો ભય

ડાકોર: આણંદમાં નાની અને મોટી ખોડિયાર મંદિર વચ્ચે ખુલ્લી વીજ ડીપી અને લટકતા વાયરોના કારણે ૨૫ જેટલી સોસાયટીના લોકો સામે જોખમ ઉભું થયું છે. રજૂઆતને મહિનો થવા છતાં એમજીવીસીએલ તંત્ર કાર્યવાહી કરવામાં આંખ આડા કાન કરી રહ્યું છે.

આણંદમાં નાની ખોડિયારથી મોટી ખોડિયાર મંદિર સુધીના રસ્તા ઉપર અંદાજે ૨૫થી વધુ રહેણાંક સોસાયટીઓ આવેલી છે. આ રોડ ઉપર એમજીવીસીએલની ખુલ્લી ડીપી અને વીજ વાયરો લટકી ગયેલા છે. ડીપીના ફરતે પ્રોટેક્શન બોક્સ નહીં બનાવ્યું હોવાથી શોર્ટસર્કિટ થવાનો ભય સ્થાનિક રહીશોને રહેલો છે. આ બાબતે સોસાયટીના આગેવાનો અને રહીશોએ તા. ૨૩-૯-૨૦૨૫ના રોજ એમજીવીસીએલમાં રજૂઆત પણ કરી છે. મહિનો થવા છતાં વીજ તંત્રએ જવાબ આપવાનું તો દૂર કોઈ સ્થળ મુલાકાત માટે પણ આવ્યું નથી. જો વીજ ડીપી પર સેફ્ટી ગાર્ડ અને લટકતા વીજ વાયરોનું ફિટિંગ નહીં કરાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચિમકી સ્થાનિકોએ ઉચ્ચારી છે.