સરોડા રોડ પર વીજપોલ અને ફૂટપાથ પરની કાંસની ખુલ્લી ચેમ્બર અકસ્માત નોતરશે
દિવસ-રાત
વાહનોની અવરજવરથી ધમધમતા
વરસાદ
પડયા બાદ કલાકો સુધી રોડ પર પાણી ભરાયેલું રહેતા કાંસની ચેમ્બર જીવલેણ પુરવાર
સાબિત થશે
ધોળકા - ધોળકાના કલિકુંડ
સરોડા રોડ પર વીજપોલ અને ફૂટપાથ પરની કાંસની ખુલ્લી ચેમ્બરથી અકસ્માતનું જોખમ ઊભું
થયું છે. વરસાદ પડયા બાદ કલાકો સુધી રોડ પર પાણી ભરાયેલું રહેતા કાંસની ચેમ્બર
જીવલેણ પુરવાર થવાની ભીતિને લઇ તાકિદે સમસ્યાનો ઉકેલ આવે તેવી સ્થાનિકોમાં માંગણી
ઉઠવા પામી છે.
ધોળકાના
કલિકુંડ સરોડા રોડ ઉપર બળિયાદેવના મંદિર તરફ જવાના માર્ગ ઉપર જાણે રોડ વચ્ચે જ વીજ
થાંભલો આવી ગયો હોય તેવું જણાઇ રહ્યું છે. રોડ વચ્ચે થાંભલો કે થાંભલાની આજુબાજુ
રોડ એ સમજાતું નથી. આ રોડ ઉપર એક નહીં ત્રણ-ચાર વીજ થાંભલા રોડ અને ફૂટપાટ વચ્ચે
ઊભા છે. સ્થાનિક લોકો રોડની વચ્ચે વીજ થાંભલાની હાજરીથી વાકેફ હોય સાવચેતીપૂર્વક
વાહન ચલાવતા હજુ સુધી અકસ્માતના બનાવ બન્યા નથી. એટલું જ નહીં રોડની અંદરના એક વીજ
થાંભલાની નજીક જ ફૂટપાથ ઉપર અંડર ગ્રાઉન્ડ વરસાદી પાણી તથા ગટરના પાણીના નિકાલ
માટેની મસમોટી ખુલ્લી ચેમ્બર આવેલી છે. વરસાદ પડે ત્યારે આ ખુલ્લી ચેમ્બરો જોખમી
બને છે કારણકે રોડ પર એકાદ ફૂટ પાણી ભરાઇ રહેતા થાંભલો તો દેખાય છે પણ કાંસની
ચેમ્બર દેખાતી નથી. જેના કારણે અજાણ્યા લોકો માટે રસ્તા વચ્ચેનો થાંભલો અને વરસાદી
નિકાલની ખુલ્લી કાંસ જોખમી બની છે. સ્થાનિક લોકોએ આ સમસ્યા અંગે પાલિકાના
સત્તાધિશોને રૃબરૃ બતાવી જરૃરી કાર્યવાહી કરવાની રજૂઆત પણ કરી છે તેમ છતાં
સમસ્યાનો આજદિન સુધી કોઇ ઉકેલ આવ્યો નથી. પાલિકા તંત્ર પ્રજાલક્ષી માનવતાવાદી
અભિગમ અપનાવી આ સમસ્યાનો તાકિદે ઉકેલ લાવે તેવી લોકમાંગણી ઉઠવા પામી છે.