સુરત પાલિકાની શાળામાં વળતર રજા અને શિક્ષકોની ઘટ વચ્ચે એક શિક્ષક બે કે તેથી વધુ વર્ગ સંભાળી રહ્યાં છે
Surat Education Committee : સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં અનેક કાર્યક્રમો રજાના દિવસે કરવામા આવે છે અને આ દિવસે હાજર રહેલા શિક્ષકોને વળતર રજા આપવામા આવે છે તેથી હાલ અનેક શાળામાં વર્ગખંડમાં અસર જોવા મળી રહી છે. સુરતની અનેક શાળા એવી છે ક આવી સ્થિતિમાં એક શિક્ષક બે કે તેથી વધુ વર્ગ સંભાળી રહ્યા છે તેની અસર બાળકોના શિક્ષણ પર પણ પડી રહી છે.
સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં છેલ્લા બે મહિના ઉત્સવની ઉજવણી, વિવિધ પ્રવૃત્તિ અને સરકારી કાર્યક્રમથી વ્યસ્ત જોવા મળી રહ્યાં છે. હર ઘર તિરંગા, સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી, શિક્ષક દિવસની ઉજવણી તથા અન્ય સરકારી કાર્યક્રમમાં જે શિક્ષકોને હાજર રહેવાનું હોય તેવાને વળતર રજા આપવામાં આવે છે. દરમિયાન હાલ શિક્ષકોની તાલીમ ચાલી રહી છે, કેટલાક શિક્ષકો રજા પર છે અને કેટલાક વળતર રજા ભોગવે છે જ્યારે અનેક શિક્ષકો તાલીમમાં વ્યસ્ત છે તેવામાં સુરતની અનેક શાળા એવી છે જેમાં એક શિક્ષક બે કે તેથી વધુ વર્ગ ઘણી વખત સંભાળી રહ્યા છે.
એક શિક્ષક પાસે બે કે તેથી વધુ વર્ગ હોય તો દિવસનો અડધો સમય તો બાળકોની હાજરી પુરવામાં પસાર થઈ જાય છે. આ ઉપરાંત એક વર્ગની હાજરી પુરતા હોય ત્યારે બાકીના વર્ગમાં શિક્ષક જોવા મળતા નથી. આવી સ્થિતિમાં બે કરતા વધુ વર્ગ શિક્ષકો સંભાળતા હોય ત્યારે બાળકોને શિક્ષણ કઈ રીતે અને કેવી ગુણવત્તાવાળું અપાતું હશે તે માત્ર કલ્પનાનો જ વિષય છે. તેથી શિક્ષકોની ભરતી કરવા તથા બિન શૈક્ષણિક પ્રવૃત્તિ ઓછી કરવા માટેની સતત માંગણી થઈ રહી છે.