સુરતની સ્મીમેર હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાં બ્રાન્ડેડ દવા બંધ કરી માત્ર જેનરિક દવા જ મળશે
Surat : સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં ગરીબ દર્દીઓની સારવાર થઈ રહી છે પરંતુ આ હોસ્પિટલમાં છેલ્લા કેટલાક વખતથી જેનરિક દવાના બદલે બ્રાન્ડેડ દવા જ લખવામાં આવતી હોવાની ફરિયાદ હતી. સાથે-સાથે હોસ્પિટલમાં બ્રાન્ડેડ દવા અને જેનરિક દવાનો મેડિકલ સ્ટોર અલગ પડતા ન હોવાથી ગરીબો લુંટાઈ રહ્યાં છે. આવી અનેક ફરિયાદ બાદ આજે મળેલી સ્મીમેર એક્ઝીક્યુટીવ કમિટીની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમાં હવે હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાં બ્રાન્ડેડ નહી પરંતુ જેનરિક દવા જ મળશે. આ ઉપરાંત કોઈ તબીબ જેનરિક દવાના બદલે બ્રાન્ડેડ દવા લખે તો પગલાં ભરવાની પણ ચીમકી આપી છે.
સુરત પાલિકાની સ્મીમેર હોસ્પિટલમાં સુરત કે દક્ષિણ ગુજરાત જ નહીં પરંતુ અન્ય રાજ્યના સરહદી ગામના દર્દીઓ પણ સારવાર માટે આવી રહ્યાં છે. સ્મીમેર હોસ્પિટલમાં મેડિકલ સ્ટોર છે તેમાં બ્રાન્ડેડ દવા અને જેનરિક દવા બન્ને માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. પરંતુ મેડિકલ સ્ટોરમાં એક જ રૂમમાં આ બન્ને સ્ટોર છે અને મોટાભાગે એક જ બારી ખુલ્લી હોય છે તેના કારણે ગરીબ દર્દીઓને બ્રાન્ડેડ દવા જ આપવામાં આવે છે. આ અંગેની અનેક ફરિયાદ મળી હતી. બુધવારે સ્મીમેરની એક્ઝીક્યુટીવ કમિટિની બેઠક મળી હતી તેમાં પણ આ મુદ્દો ઉઠ્યો હતો. તપાસ કરાતા તબીબો પણ બ્રાન્ડેડ દવા જ લખી આપે છે અને મેડિકલ સ્ટોરમાંથી પણ બ્રાન્ડેડ દવા જ આપવામા આવે છે તે બહાર આવ્યું હતું. જેના કારણે ગરીબ દર્દીઓ લુંટાઈ રહ્યાં છે તેવું લાગતા એક્ઝીક્યુટીવ કમિટિએ બ્રાન્ડેડ દવા માટે મેડિકલ સ્ટોરને આપેલો કોન્ટ્રાક્ટ આગામી ફેબ્રુઆરીમાં પુરો થાય છે ત્યાર બાદ સ્મીમેરના મેડિકલ સ્ટોરમાં માત્ર જેનરિક દવાનું જ વેચાણ થશે તેવો નિર્ણય કરવામા આવ્યો છે.
આ અંગે વધુ માહિતી આપતાં મેયર દક્ષેશ માવાણીએ કહ્યું હતું કે, જે તબીબો હવે પછી જેનરિક દવાના બદલે બ્રાન્ડેડ દવા લખીને આપશે તેમની સામે પણ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. આજે કરેલા આ નિર્ણય બાદ સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે આવનારા ગરીબ દર્દીઓને વધુ ફાયદો થાય તેવી શક્યતા છે.
જેનરિક દવા અને બ્રાન્ડેડ દવા માટે મેડિકલ સ્ટોરના કોન્ટ્રાક્ટ અલગ નામ પણ એક જ હોવાની શક્યતા
સુરત પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં જેનરિક મેડિકલ સ્ટોર અને બ્રાન્ડેડ દવાના મેડિકલ સ્ટોર માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. પરંતુ જે રીતે દર્દીઓને જેનરિક દવાના બદલે બ્રાન્ડેડ દવા મળી રહી છે તેવી ફરિયાદ બહાર આવતાં જેનરિક દવાના મેડિકલ સ્ટોર માટે અલગ એજન્સી અને બ્રાન્ડેડ દવાના મેડિકલ સ્ટોર માટે અલગ એજન્સી છે. પરંતુ એક જ રૂમમાં પાર્ટીશન કરીને દવાનું વેચાણ થઈ રહ્યું છે અને દર્દીઓને જેનરિક દવા જ પધરાવવામાં આવે છે તેથી કોન્ટ્રાક્ટ ભલે બે અલગ અલગ એજન્સીએ લીધો હોય પરંતુ પ્રોપ્રાઈટર એક જ હોવાની શક્યતા નકારી શકાતી નથી.