લેન્ડ ગ્રેબિંગ એક્ટની અરજીઓની સામે માત્ર ૫ ટકા કેસોમાં થતી FIR

વડોદરા, તા.6 વર્ષ-૨૦૨૦ના અંતમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટનો અમલ થયો ત્યારથી જમીન પચાવી પાડવાના કેસોની અરજીઓમાં દર વર્ષે સતત વધારો થઇ રહ્યો છે. વડોદરામાં ચાલુ વર્ષે છેલ્લા પાંચ મહિનામાં જ ૫૬૪ અરજીઓ લેન્ડ ગ્રેબિંગ કમિટિને મળી હોવાનું જાણવા મળ્યું છે.
ખાનગી તેમજ સરકારી જમીન પચાવી પાડવા માટેની અનેક ફરિયાદો તંત્ર સમક્ષ આવતી હતી જેના પગલે રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી સ્વ.વિજય રૃપાણીએ ડિસેમ્બર ૨૦૨૦માં ધી ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ-૨૦૨૦ની જાહેરાત કરી હતી. આ એક્ટ હેઠળ અરજી કરવા માટે રૃા.૨ હજાર ફી નક્કી કરવામાં આવી હતી. લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ આવતી અરજીઓ પર નિર્ણય કરવા માટે રેવન્યૂ અધિકારીઓ અને પોલીસ અધિકારીઓની એક કમિટિ બનાવવામાં આવી છે જે મળેલી અરજીઓનો નિકાલ કરે છે.
વડોદરા જિલ્લામાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને બનેલી કમિટિની બેઠક સમયાંતરે મળતી હોય છે અને અરજીઓની સમિક્ષા કર્યા બાદ એફઆઇઆર દાખલ કરવી કે નહી તે અંગે નિર્ણય લેવાતો હોય છે. આ કાયદાનો અમલ થયો તે વર્ષે-૨૦૨૦માં માત્ર એક અરજી મળી હતી અને તે કેસમાં એફઆઇઆર પણ દાખલ કરવાનો નિર્ણય લેવાયો હતો. ત્યારબાદ આ કાયદા હેઠળ અરજીઓની સંખ્યામાં સતત વધારો થયો હતો પરંતુ વર્ષ-૨૦૨૪માં અરજીઓમાં મોટો ઘટાડો થયો હતો અને પછી આ વર્ષમાં અરજીઓમાં માત્ર પાંચ મહિનામાં જ વધારો થયો છે.
મહત્વની બાબત એ છે કે મોટી સંખ્યામાં અરજીઓ આવવા છતાં એફઆઇઆર થવાનું પ્રમાણ પાંચ ટકા કરતા પણ ઓછું છે. કમિટિ દ્વારા નક્કી થયા બાદ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ જે-તે પોલીસ સ્ટેશનમાં નોંધાય છે અને જમીન પર દબાણ કરનારા તત્વોની તાત્કાલિક ધરપકડ થાય તેવી ગણતરી હોય છે તેમ છતાં કેટલાય આરોપીઓ ફરાર થવામાં સફળ રહેતા હોય છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આ કાયદાના અમલથી વર્ષ-૨૦૨૫ના મે માસ સુધી કુલ ૧૭૭૪ અરજીઓની સામે માત્ર ૭૬ અરજીઓની એફઆઇઆર દાખલ કરવાનો કમિટિ દ્વારા નિર્ણય લેવાયો હતો.
વર્ષ-૨૦૨૪માં સૌથી ઓછી અરજી અને ફરિયાદ
વર્ષ અરજીઓની સંખ્યા FIR
૨૦૨૦ ૧ ૧
૨૦૨૧ ૪૧૦ ૧૯
૨૦૨૨ ૩૨૬ ૨૯
૨૦૨૩ ૪૧૯ ૧૬
૨૦૨૪ ૫૪ ૦૩
૨૦૨૫ ૫૬૪ ૦૮
(મે સુધી)
કુલ ૧૭૭૪ ૭૬
સરકારી જમીનો પર કબજો છતાં ફરિયાદો થતી નથી
શહેર અને જિલ્લામાં અનેક સરકારી જમીનો પર દબાણો અથવા પચાવી પાડવાની ફરિયાદો મળતી હોય છે. કેટલાંક કિસ્સાઓમાં દબાણો થયા હોય તો તંત્ર દ્વારા દૂર કરવામાં આવે છે પરંતુ ફરી સરકારી જગ્યામાં દબાણો થઇ જતા હોય છે.
આ ઉપરાંત સરકારી જમીનો પચાવી પાડવા માટેની ફરિયાદો પર તંત્ર દ્વારા યોગ્ય નિર્ણય લઇ શકાતો નથી. સૂત્રોએ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન મુજબ સરકારી જમીન પ્રસ્થાપિત થયા બાદ તે જમીન પર કબજો કરનારાઓને કબજો છોડી દેવાનો સમય આપવામાં આવે છે અને જો તેમ ના કરે તો પછી કાયદેસરની કાર્યવાહી કરાય છે.








