| AI Image |
Gujarat Education: ગુજરાતની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં લાંબા સમયથી ખાલી પડેલી વર્ગ-3ની જગ્યાઓ હવે કાયમી ધોરણે ભરાશે નહીં. કમિશનર ઓફ સ્કૂલ કચેરી દ્વારા કરવામાં આવેલી સ્પષ્ટતા મુજબ, હવે આ જગ્યાઓ પર માત્ર 11 મહિનાના કરાર આધારિત જ નિમણૂકો કરવામાં આવશે. સરકારના આ નિર્ણયથી કાયમી નોકરીની રાહ જોતા ઉમેદવારોમાં નિરાશા જોવા મળી રહી છે.
કાયમી નિમણૂક અને NOC પર પ્રતિબંધ
શાળા સંચાલક મંડળો અને આચાર્ય સંઘ દ્વારા ખાલી જગ્યાઓ ભરવા માટે મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરવામાં આવી હતી. આ રજૂઆતોના જવાબમાં શિક્ષણ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે, માર્ચ 2018ના ઠરાવ મુજબ, વર્ગ-3ના બિન-શૈક્ષણિક કર્મચારીઓની કાયમી ભરતી કરવા કે નવી NOC (પરવાનગી) આપવા પર હાલ પ્રતિબંધ છે. વર્ગ-3ની જગ્યાઓ લેખિત પરીક્ષા દ્વારા ભરવાનો ઠરાવ હોવા છતાં, સરકાર હવે આ જગ્યાઓ પર હંગામી ધોરણે ‘શાળા સહાયક’ લેવા તરફ ઝૂકી રહી છે.
આ પણ વાંચો: ગાંધીનગર: કૂતરું કરડ્યાના 4 મહિના બાદ હડકવા ઉપડ્યો, નિવૃત IASની પુત્રીનું કરુણ મોત
વર્ગ-3 અને વર્ગ-4 ની ભરતીનું નવું માળખું
ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં વર્ગ-3ના કર્મચારીઓની 11 માસના કરાર આધારીત નિમણૂંકો થશે. કરાર આધારિત શાળા સહાયકથી કામગીરી લેવા વર્ષ 2025-26 માટે દરખાસ્ત કરાઈ છે. પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા આ દરખાસ્તમાં હજુ સુધી મંજૂરીનો સ્પષ્ટ આદેશ મળયો નથી. જ્યારે પટાવાળા એટલે કે વર્ગ-4 માટે બિનકુશળ શ્રમયોગીઓ લેવાનું નક્કી કરાયુ છે. શૈક્ષણિક વર્ષ 2025-26 ૫ણ હવે પુરુ થવા આવનાર છે, ત્યારે હજુ પણ કરાર આધારીત વર્ગ-3 કર્મચારીઓ માટે મંજૂરી નથી અપાઈ જે મોટો પ્રશ્ન છે.
સંચાલકો અને આચાર્યોમાં ચિંતા
કાયમી કર્મચારીઓના બદલે 11 માસના કરાર આધારિત કર્મચારીઓ રાખવાથી શાળાઓના વહીવટની ગુણવત્તા અને સાતત્ય જળવાશે કે કેમ તે બાબતે સંચાલકો ચિંતિત છે. આચાર્ય સંઘનું માનવું છે કે હંગામી કર્મચારીઓ વારંવાર બદલાતા હોવાથી શૈક્ષણિક અને વહીવટી દસ્તાવેજોની જાળવણીમાં મુશ્કેલી પડી શકે છે.


