ખેડૂતોની 68,000 અરજી સામે 30,000 અરજી જ મંજૂર : માત્ર 9,071 ખેડૂતોને રૂ. 14.70 કરોડની સહાય ચૂકવાઈ

- આણંદ જિલ્લામાં ભારે વરસાદના કારણે થયેલા પાક નુકસાનીમાં રૂપિયા 120 કરોડની સહાયનો અંદાજ
- નુકસાની સહાય મેળવવા ખેડૂતો ૫ ડિસેમ્બર સુધી અરજી કરી શકશે : સર્વરના ધાંધિયાથી ઓનલાઈન અરજી કરવામાં પણ મુશ્કેલી : 59 હજાર ખેડૂતો વળતરની રાહ જોઈ રહ્યાં છે
આણંદ : આણંદ જિલ્લામાં ઓક્ટોબર મહિનામાં થયેલા ભારે વરસાદે તારાજી સર્જી હતી અને ચોમાસુ પાકનું સંપૂર્ણ ધોવાણ થઈ જતા ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. ત્યારે ખેડૂતોની માંગને લઈને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે ૧૦,૦૦૦ કરોડનું રાહત પેકેજ જાહેર કરાયું હતું. જ્યારે આણંદ જિલ્લામાં ખેડૂતોની ૬૮,૦૦૦ અરજીમાંથી માત્ર ૩૦,૦૦૦ અરજી મંજૂર કરાઈ છે અને માત્ર ૯,૦૭૧ ખેડૂતોને જ રૂ. ૧૪.૭૦ કરોડની સહાય ચૂકવાઈ છે.
આણંદ જિલ્લામાં ઓક્ટોબર મહિનામાં ભારે વરસાદ થતા જિલ્લાના ખંભાત, તારાપુર અને પેટલાદ તાલુકામાં ૭ ઇંચથી વધુ વરસાદ થયો હતો. જેમાં આ વિસ્તારના ડાંંગરના પાકને ભારે નુકસાન થયું હતું. જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ તમાકુ, ડાંગર, શાકભાજી, ઘાસચારો વગેરે પાક પાણીમાં ડૂબી જતા ખેડૂતોની ચોમાસુ સિઝન નિષ્ફળ ગઈ હતી. તેમજ રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદથી પાકને નુકસાન થતા રાજ્ય સરકાર દ્વારા પાક નુકસાનીનું તાત્કાલીક સર્વે કરાવી ખેડૂતો માટે ૧૦,૦૦૦ કરોડનું રાહત પેકેજ જાહેર કરાયું હતું અને ખેડૂતોને હેકટર દીઠ રૂપિયા ૨૨,૦૦૦, વધુમાં વધુ બે હેકટર માટે રૂપિયા ૪૪,૦૦૦ સુધી સહાય આપવાની જાહેરાત કરાઈ હતી.
આણંદ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોની નુકસાનીના સર્વે માટે ૧૫૦થી વધુ ગ્રામ સેવકોની ટીમ જિલ્લાના તમામ ગામડાઓમાં સર્વે માટે મોકલવામાં આવી હતી અને નવેમ્બર માસ દરમિયાન અંદાજિત ૮૨ હજાર હેક્ટર જમીનમાં ખેતીના પાકને નુકસાન થયું હોવાની આંકડાકીય માહિતી મળતા ખેડૂતોને ઓનલાઈન પોર્ટલ ઉપર અરજી કરવા માટેની સૂચનાઓ આપવામાં આવી હતી.
આણંદ જિલ્લા ખેતીવાડી અધિકારી ચિંતન પટેલના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં કુલ ૬૮,૦૦૦ ખેડૂતોએ સહાય મેળવવા માટે અરજી કરી છે, જેમાંથી અત્યાર સુધીમાં માત્ર ૩૦,૦૦૦ અરજીઓ જ મંજૂર કરવામાં આવી છે. મંજૂર કરવામાં આવેલી અરજીઓમાંથી ૧ ડિસેમ્બર ૨૦૨૫ સુધીમાં માત્ર ૯,૦૭૧ ખેડૂતોને રૂ. ૧૪.૭૦ કરોડની ઓનલાઈન ચુકવણી કરવામાં આવી છે. આણંદ જિલ્લામાં ખેડૂતોને નુકસાની પ્રમાણે સરેરાશ રૂપિયા ૫,૦૦૦થી બે હેક્ટરના ૪૪ હજાર રૂપિયા સુધીની સહાય ચૂકવવામાં આવી છે. ખેડૂતોની પાક નુકસાનીની સહાયની પ્રક્રિયાની અરજીઓ લેવાની હજુ પાંચ ડિસેમ્બર સુધી ચાલુ રાખવામાં આવી છે.
સરકારનું ખેડૂત પોર્ટલ ધીમું ચાલતું હોવાથી ઓનલાઈન અરજી થઈ શકતી નથી : ખેડૂતો
પાક સહાયની અરજીઓમાં બાકી રહેલા ખેડૂતોના જણાવ્યા મુજબ, રાજ્ય સરકારનું ખેડૂત પોર્ટલ ખૂબ જ ધીમું ચાલતું હોવાથી અને સર્વર ડાઉન હોવાથી ઓનલાઈન અરજીઓ કરી શકાતી નથી. તેમજ કેટલાક ગામમાં ગ્રામ સેવકો આવતા ન હોવાથી ખેડૂતોને તેમની અરજીની મંજૂરી મેળવવામાં તકલીફો પડી રહી છે. પાક નુકસાનીની સહાય મેળવવામાં માટે માત્ર ચાર દિવસ જ બાકી હોવાથી ખેડૂતો સહાયની રકમ મેળવવા માટે પોર્ટલ ઉપર પોતાની અરજીઓ કરી રહ્યાં છે અને ગ્રામસેવક વહેલી તકે અરજી મંજૂર કરે તેવી માંગ કરી રહ્યાં છે.

