ઉમરેઠમાં માત્ર 3 ઈંચ વરસાદમાં શહેરના રસ્તાઓ પર કેડસમા પાણી

- પાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખૂલી
- રોડ ઊંચો બનાવતા થામણા ચોકડીએ પાણી ભરાવાની કાયમી સમસ્યાથી નગરજનોમાં આક્રોશ
આણંદ જિલ્લાના ઉમરેઠ શહેરમાં ગઈકાલ સાંજે ૪ વાગ્યાથી આજે બપોરે બે વાગ્યા સુધી ૩ ઈંચ જેટલો વરસાદ પડયો હતો. ત્યારે ઉમરેઠના નીચાણવાળા અને શહેરના મુખ્ય વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતા લોકો હાલાકી ભોગવવા મજબૂર બન્યા હતા. શહેરમાંથી થામણા ચોકડી જવાના મુખ્ય માર્ગ ઉપર ચાર રસ્તા પાસે કેડ સમા પાણી ભરાતા સ્થાનિકો ભારે મુશ્કેલીમાં મૂકાયા હતા.
ત્યારે માત્ર ૩ ઈંચ વરસાદમાં પાલિકાના પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખૂલી ગઈ હતી. છેલ્લા ઘણા વર્ષોથી શહેરમાં પાણી ભરાવાની સમસ્યાનો નગરપાલિકા તંત્ર કાયમી ઉકેલ નહીં લાવતા સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
આ અંગે ઉમરેઠ પાલિકાના ચીફ ઓફિસર ભારતીબેન સોમાણીને ફોન કરતા તેમણે સંપર્ક કરવાનું ટાળ્યું હતું. પાલિકાના પ્રમુખ કનૈયાલાલ શાહે જણાવ્યું હતું કે, વરસાદમાં ઉમરેઠમાં અન્ય વિસ્તારોમાં તો પાણી ભરાય છે પરંતુ, થામણા ચોકડી પર માર્ગ મકાન વિભાગે રોડ ઊંચો બનાવતા પાણી ભરાય છે. જે અંગે સંકલન બેઠકમાં રજૂઆત પણ કરાઈ છે.
ઉમરેઠ શહેરના કયા મુખ્ય 7 વિસ્તારમાં પાણી ભરાયા
વેરાઈ દરવાજા, થામણા ચોકડી, મેલડીમાતા મંદિર, ઓળ બજાર, સીલીવગા, ભૈરવવગા, લાલ દરવાજા સહિત મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હતા.








