સુરત શિક્ષણ સમિતિમાં 1600 શિક્ષકોની ઘટ જગ્યા ભરવામાં આવી માત્ર 287 જગ્યાઓ
Surat Education Committee : સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં સત્ર શરૂ થયુંને એક મહિના કરતાં વધુ સમય થઈ ગયો છે ત્યારે શિક્ષકોની ઘટ પુરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સમિતિમાં 1600 થી વધુ કાયમી શિક્ષકોની ઘટ છે ત્યારે હાલ વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવી છે. સમિતિની શાળામાં 1600 ની ઘટ સામે હાલ માત્ર માત્ર 287 વિદ્યાસહાયકોની ભરતી થઈ છે. જોકે, સુરત પાલિકાને ગુજરાતી માધ્યમની પ્રાથમિકતા હોવા છતાં હજી સુધી ભરતી થઈ ન હોવાથી ગુજરાતી માધ્યમની સ્થિતિ દયનીય થઈ રહી છે. એક શિક્ષક એક કરતાં વધુ વર્ગ લેતા હોવાથી અભ્યાસ પર માઠી અસર પડી રહી છે.
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ માટે એક હજાર કરોડ કરતાં વધુનુ બજેટ ફાળવવામાં આવ્યા છે પરંતુ સમિતિમાં 5400 શિક્ષકોનું મહેક છે પરંતુ હાલ 1600 શિક્ષકોની ઘટ છે. તેમાં પણ ગુજરાતી માધ્યમની શાળામાં 700 થી વધુ શિક્ષકોની ઘટ છે. ગુજરાતી શિક્ષણ પ્રાયોરીટી હોવા છતાં આ ઘટ પૂરી કરવામાં શાસકો અને તંત્ર નિષ્ફળ સાબિત થયું છે. 1600 શિક્ષકોની ઘટ પુરી કરવા માટે ગઈકાલે વિદ્યા સહાયક ભરતી મેળો કરાયો હતો. જેમાં ઉર્દૂ માધ્યમમાં સૌથી વધુ 153 વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવી હતી. જ્યારે હિન્દી માધ્યમમાં 48, મરાઠી માધ્યમમાં 45, અંગ્રેજી માધ્યમમાં 28, ઉડીયા માધ્યમમાં 13 વિદ્યા સહાયકો મળી 287 વિદ્યાસહાયકોની ભરતી થઈ છે.
સુરત શિક્ષણ સમિતિને એક હજાર કરતા વધુ બજેટ હોવા છતાં કાયમી શિક્ષકોને બદલે વિદ્યા સહાયકો સિવાય સાથી સહાયકો અને જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવી છે. હજી સુધી ગુજરાતી માધ્યમમાં 700 થી વધુની ઘટ છે તેમ છતાં આ ભરતી આગામી દિવસોમાં કરવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે. જોકે, ગુજરાતી માધ્યમમાં સૌથી વધુ શિક્ષકોની ઘટ છે તેથી ઘણી શાળાઓમાં એવી હાલત છે કે એક શિક્ષક એક કરતાં વધુ વર્ગના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવો પડે છે. જેના કારણે 30 ટકા સમય તો હાજરી પુરવામાં જ પુરો થઈ જાય છે અને બે કે ત્રણ વર્ગ હોવાથી શિક્ષક પણ વિદ્યાર્થીઓને ન્યાય આપી શકતા નથી. કામગીરીના ભારણ હેઠળ દબાયેલા શિક્ષકોની હાલત કફોડી થઈ રહી છે પરંતુ શાસકો ગુજરાતી માધ્યમના શિક્ષકોની ઘટ પૂરી કરવા માટેની કામગીરી કરતા ન હોવાથી ગરીબ વિદ્યાર્થીઓના માઠી અસર પડી રહી છે.