સુરતમાં શિક્ષણ સમિતિનો શિક્ષકોનો સન્માનનો કાર્યક્રમ ચાલ્યો ત્રણ કલાક, 185 શિક્ષકોના સન્માન માટે માત્ર 16 મિનિટ
Surat Education Committee : સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં શિક્ષક દિવસની ઉજવણીનો કાર્યક્રમ ત્રણ કલાક ચાલ્યો હતો પરંતુ શિક્ષકોનું સન્માન માટે માત્ર 15થી 20 મિનિટ ફાળવવામાં આવી હતી. ઉપરાંત શિક્ષકોનું સન્માન એક બાદ એક કરવાના બદલે એક સાથે દસ-દસ શિક્ષકોને સ્ટેજ પર બોલાવી એક સાથે સન્માન કરવામાં આવ્યું હતું. ભુતકાળમાં આવા કાર્યક્રમમાં ભોજન સમારંભ થતો હતો પરંતુ ફુડ પેકેટ આપવામાં આવ્યા હતા આવી રીતે સન્માન સમારોહ પુરો થતાં શિક્ષકોમાં નારાજગી જોવા મળી રહી છે અને શિક્ષકોમાં ગણગણાટ એવો સાંભળવા મળી રહ્યો છે કે, આ કાર્યક્રમ શિક્ષકોના સન્માનનો હતો કે અપમાનનો ?
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શિક્ષક દિવસે સંજીવ કુમાર ઓડિટોરીયમ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભૂતકાળમાં જ્યારે શિક્ષક દિવસના કાર્યક્રમ થતા ત્યારે શ્રેષ્ઠ શિક્ષકોની સ્પર્ધા કરવા આવતી અને ફોર્મ ભરી ઇન્ટરવ્યુ પણ કરી શ્રેષ્ઠ શિક્ષક જાહેર કરાતા હતા. પરંતુ છેલ્લા બે ત્રણ વર્ષથી આ પ્રથા સ્થગિત કરી દેવામાં આવી છે. આજે શિક્ષણ સમિતિનો કાર્યક્રમ યોજાયો હતો તેમાં નિવૃત્ત શિક્ષક અને 15 ઓગસ્ટ જેઓનું સન્માન કરવામાં આવ્યું હતું કે શિક્ષકો અને શિક્ષણ સમિતિના કર્મચારીઓ જેનું પણ પહેલા સન્માન કરાયું હતું તેવા સાથે વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવતા વિવાદ ઉભો થયો છે.
આ કાર્યક્રમ બાદ કેટલાક શિક્ષકોએ બળાપો કાઢ્યો હતો કે કાર્ડમાં સાંસદ, ધારાસભ્ય અને મોટા નેતાઓના નામ લખ્યા હતા તેમાંથી મોટાભાગના નેતાઓ હાજર રહ્યા ન હતા તેની સાથે સમિતિના પણ કેટલાક સભ્યો હાજર રહ્યા ન હતા. આ ઉપરાંત એક બાદ એક શિક્ષકોના નામ બોલીને તેમની સિધ્ધિ વર્ણવી સન્માન કરવાના બદલે એક સાથે દસ-દસ શિક્ષકોને બોલાવી માત્ર પંદરથી વીસ મિનિટમાં સન્માન કાર્યક્રમ પૂરો કરી દેવાયો હતો. જ્યારે બાકીના સમયમાં ભાષણ બાજી કરી ભાજપ, પાલિકા અને શિક્ષણ સમિતિની વાહ-વાહ કરવામાં આવી હતી. આ ઉપરાંત 17 સપ્ટેમ્બરે વડાપ્રધાનનો જન્મ દિવસના કાર્યક્રમ માટેની જાહેરાત કરવા સાથે સહભાગી થવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.
ભૂતકાળમાં આવા કાર્યક્રમ સાથે ભોજન સમારંભ કરવામાં આવ્યો હતો જ્યારે આ કાર્યક્રમ બાદ શિક્ષકોને એક સમોસા અને નાનું વેફરનું પેકેટ આપવામાં આવ્યું હતું જેથી હાજર રહેલા શિક્ષકોમાં ભારે નારાજગી જોવા મળી હતી.