ગેસ અને લાઇટ બિલ બાદ લેન્ડલાઇન ફોનના દુરુપયોગના નામે ઠગોની ધમકી..9 નંબર દબાવવા કહે છે
વડોદરાઃ ઓનલાઇન ઠગાઇ કરતી ગેંગ દ્વારા સમયાંતરે જુદીજુદી તરકીબો અજમાવવામાં આવતી હોય છે.હવે ઠગોએ લેન્ડલાઇન નંબર પર કોલ કરીને લોકોને ફસાવવા જાળ બિછાવવા માંડી હોવાના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે.
ઓનલાઇન ઠગો દ્વારા ગેસ બિલ બાકી છે,લાઇટ બિલ બાકી છે..જો કનેક્શન ચાલુ રાખવું હોય તો લિન્ક પર ક્લિક કરો તેવા મેસેજો આવતા હતા.જેમાં અનેક લોકોએ હજારો રૃપિયા ગૂમાવ્યા છે.
હવે ઠગો લેન્ડ લાઇન ફોન ધારકોને ફોન કરી રહ્યા હોવાના બનાવ બહાર આવ્યા છે.જેમાં તેઓ ફોન કરીને કે કેસેટ મૂકીને તમારા લેન્ડ લાઇનનો દુરુપયોગ થઇ રહ્યો છે,દેશ વિરોધી પ્રવૃત્તિમાં ઉપયોગ થઇ રહ્યો છે..કાર્યવાહીથી બચવું હોય તો ૯ નંબર દબાવો તેમ કહી રહ્યા છે.સમા-હરણી લિન્ક રોડ પર રહેતા જે ડોક્ટરને કોલ આવ્યો તેમને શંકા જતાં રિપ્લાય કર્યો નહતો અને બચી ગયા હતા.