Get The App

ઓનલાઈન ગેમ ઘાતક : કચ્છમાં 13 વર્ષના બાળકની મિત્રોએ હત્યા કરી

Updated: Mar 13th, 2025

GS TEAM

Google News
Google News
ઓનલાઈન ગેમ ઘાતક : કચ્છમાં 13 વર્ષના બાળકની મિત્રોએ હત્યા કરી 1 - image


ફ્રી ફાયર ગેમની પ્રો-આઈડી આપવાની ના પાડતાં છરીના ઘા માર્યા

રાપરના બેલા ગામે ધોરણ-6નો વિદ્યાર્થી વાડીએ કામ કરી મિત્રો સાથે બગીચામાં ગેમ રમતો હતોઃ ત્રણ ટાબરિયાની અટકાયત

ગાંધીધામ: ઓનલાઈન ગેમિંગ બાળકોને હિંસાત્મક બનાવી શકે છે. આવા ચોંકાવનારાં કિસ્સામાં કચ્છમાં ફ્રી ફાયર ગેમની પ્રો-આઈડી  વાપરવા ન આપનાર ૧૩ વર્ષના બાળકની તેના જ મિત્ર એવા ત્રણ હમઉંમર મિત્રોએ હત્યા કરી છે. આઈ.ડી.નો એક્સેસ ન આપતાં એવું ઝનૂન ચડયું હતું કે, ૧૩ વર્ષના પ્રવિણને તેના મિત્ર એવા એક સગીરે પકડી રાખ્યો અને અન્ય બે મિત્રોએ છરીના અનેક ઘા મારી કરપીણ હત્યા કરી હતી. પોલીસે ત્રણેય બાળ ગુનેગારોને ઝડપી લીધા છે. કાયદાનુસાર ત્રણ ટાબરિયા સામે કડક કાર્યવાહી સંભવ નથી. પરંતુ, ઓનલાઈન ગેમના ચક્કરમાં બાળકોના આપઘાત ઉપરાંત વાલીઓના બેન્ક એકાઉન્ટ ખાલી થઈ ગયા હોવાના બનાવો પણ બની ચૂક્યાં છે. રાપરના બેલા ગામની આ ઘટના સમાજ માટે એલાર્મ જેવી છે.

રાપર તાલુકાનાં બેલા ગામે બિલેશ્વર મહાદેવનાં બગીચા પાસે મંગળવારે બપોરે ૧૩ વષય પ્રવીણ નામેરીભાઈ રાઠોડની હત્યા કરવામાં આવી હતી. હતભાગી અને તેના મિત્રો બગીચામાં ગેમ રમતા હતા ત્યારે પ્રવીણના મોબાઈલમાં રહેલી ફ્રી ફાયર ગેમની આઈડી તેના મિત્રોએ માંગી હતી. પ્રવિણે પોતાના મોબાઈલ ફોનમાં ગેમ રમતાં રમતાં આઈ.ડી. આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા તેના સાથી મિત્રોએ ગુનાહીત કાવતરું રચ્યું હોય તેવું કારસ્તાન આચર્યું હતું.  એક મિત્રએ પ્રવિણને પકડી રાખ્યો અને બીજા બે મિત્રોએ ઉપરા ઉપરી છરીના ઘા મારી દીધા હતા. જેમાં ગંભીર ઈજાના કારણે પ્રવીણનું મોત થયું હતું. મોબાઈલ ગેમ રવાના મુદ્દે ૧૩ વર્ષનાં સગીરની હત્યા થયાની ઘટનાથી પોલીસમાં દોડધામ મચી હતી. બાલાસર પોલીસમાં પ્રવીણના ભાઈ જગદીશભાઈ નામેરીભાઈ રાઠોડે હત્યાનો ગુનો દાખલ કરાવ્યો હતો. પોલીસે ત્રણેય બાળ આરોપીઓને રાઉન્ડઅપ કરી લીધા છે. 

પોલીસ સૂત્રોએ જણાવ્યુ હતું કે, મૃતક બાળક અને આરોપી એકબીજાના સંબંધી પણ છે અને ગેમ રમવાનો તેમને ચસ્કો હોવાથી દરરોજ સાથે મળી બગીચામાં ગેમ રમતા હતા. મૃતક બાળક છઠા ધોરણમાં અભ્યાસ કરતો હતો. રજાના દિવસે તે વાડીએ મૂલ કરવા પણ જતા હતો. મંગળવારે પણ તે વાડીએથી આવી ગેમ રમવા ગયો હતો ત્યારે મિત્રો સાથે મોબાઈલ ફોન ઉપર રમવા માટે ફ્રી ફાયર ગેમની આઈડી આપવાના મુદ્દે મનદુઃખ થતાં હત્યાની ઘટના બની હતી.

ફ્રી ફાયરની પ્રો-આઈડી ન આપી એટલે પ્રવિણની હત્યા

પબજી ગેમ ની જેમ ફ્રી ફાયર ગેમમાં પણ જે લોકો સારી રમત રમતા હોય છે તેની અપડેટ થયેલી આઈડી હોય છે. અમુક લોકો રૂપિયા ખર્ચી વિવિધ ગનની સ્કીમ સહિતની ખરીદી કરતાં હોય છે જેને ગેમિંગ ભાષામાં પ્રો-આઈડી કહેવાય છે. આઈડી અન્યને આપવામાં આવે તો તે વ્યક્તિ પણ પોતાના મોબાઈલમાં એ પ્રો-આઈડી વડે ગેમ રમી શકે છે. પ્રો-આઈ.ડી. રમવા માટે ઘણી વખત મિત્રો આપસમાં ગેમની આઈ ડીની આપ-લે કરતાં હોય છે. પ્રવીણ પાસે તેના મિત્રોએ તેની આઈડી માંગી હતી. પરંતુ પ્રો-આઈડી હોવાથી પ્રવિણે આપવાની ના કહી દીધી હતી. આથી, આવેશમાં આવી હત્યા કરી હોવાનું પણ પોલીસે જણાવ્યું હતું. 

Tags :