Vadodara Fraud Case : ઇન્વેસ્ટમેન્ટના નામે ઓનલાઇન ઠગાઈના સંખ્યાબંધ બનાવો બની રહ્યા છે અને લોકોને સતત જાગૃત કરવામાં આવી રહ્યા છે તેમ છતાં લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં ઠગ ટોળકી સફળ થઈ રહી છે. વડોદરાના એક ઇન્વેસ્ટર સાથે ચાર-ચાર એકાઉન્ટ ખોલાવી ઠગોએ 1.81 કરોડ પડાવી લીધા હોવાનું બનાવો બનતા પોલીસ પણ આશ્ચર્યમાં પડી ગઈ છે.
મનીસુખ ફાઇનાન્સિયલના નામે 65 લાખ ખંખેર્યા, 3 કરોડનો પ્રોફિટ બતાવતા હતા
ગોત્રી વિસ્તારમાં નવધા રેસીડેન્સીમાં રહેતા ખાનગી કંપનીના મેનેજર ઘનશ્યામભાઈ માત્રોજાએ પોલીસને કહ્યું છે કે ગઈ તા.14 ઓગસ્ટના રોજ ફેસબુક પર શેર માર્કેટિંગની એક લિંક જાહેરાત જોઈ હતી. જેના પર ક્લિક કરતા મને મનીશુખ ફાઇનાન્સિયલ સિક્યુરિટીના વોટ્સએપ ગ્રુપમાં જોઈન્ટ કરવામાં આવ્યો હતો. આ ગ્રુપમાં 100 મેમ્બરો હતા. પોલોમી નાથ નામની વ્યક્તિએ મારી સાથે મેસેજથી વાત કરી શોર્ટ ટાઈમ પ્રોફિટને લગતી સ્કીમ બતાવી હતી. ત્યારબાદ મારું રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું અને એક એકાઉન્ટ ખોલવામાં આવ્યું હતું. જેમાં કેવાયસી પણ કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં દસ હજાર રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરતા 960 પ્રોફિટ દેખાયો હતો. ત્યારબાદ મેં આ ગ્રુપમાં કુલ 65.40 લાખનું રોકાણ કર્યું હતું. જેમાં મને આઇપીઓ લાગ્યા છે તે પ્રકારની વાત કરવામાં આવી હતી અને મારું બેલેન્સ 3 કરોડ દેખાતું હતું.
paytm મની લિમિટેડ એકાઉન્ટમાં 53 લાખની સામે 1.55 કરોડ દેખાતા હતા
આ દરમિયાન ઠગોએ મને પેટીએમ મની લિમિટેડ નામની લીંક મોકલી તેના પણ whatsapp ગ્રુપમાં જોઈન કર્યો હતો. મેં આ ગ્રુપમાં બધી માહિતી ભરી હતી અને રજીસ્ટ્રેશન બાદ રૂ.25,000 નું રોકાણ કરતા તેની સામે 2884 મળ્યા હતા. ત્યાર પછી વીઆઈપી પ્લાનના નામે અને આઇપીઓ ગ્રુપના નામે મારી પાસે 53 લાખ રૂપિયાનું રોકાણ કરાવવામાં આવ્યું હતું જેની સામે 1.55 કરોડનો પ્રોફિટ દેખાતો હતો.
SBI સિક્યુરિટીના નામે 42.95 લાખ અને લુવામાં વેલ્થ મેનેજમેન્ટના નામે 19.12 લાખ પડાવ્યા
ઇન્વેસ્ટરે પોલીસને કહ્યું છે કે, આ ટ્રાન્ઝેક્શન ચાલતા હતા તે દરમિયાન વધુ બે લિંક મોકલી રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું. જેમાં sbi સિક્યુરિટી ગ્રુપમાં 42.95 લાખ અને નૂવામાં વેલ્થ મેનેજમેન્ટ લિમિટેડમાં 19.12 લાખ ભરાવવામાં આવ્યા હતા. મને વેબસાઈટ ઉપર ભરેલ રકમના 10% વળતર આપવાનું તેમજ સારા એવા પ્રોફિટની વાત કરવામાં આવી હતી. પરંતુ રકમ ઉપાડવાની વાત આવે ત્યારે 20 ટકા રકમ ભરવી પડશે તેવા બહાના કાઢવામાં આવતા હતા અને વધુને વધુ રકમની માંગણી કરવામાં આવતી હતી. આમ મારી પાસે 1.81 કરોડ ઇન્વેસ્ટ કરાવવામાં આવ્યા હતા. જેની સામે માત્ર 2.22 લાખ રૂપિયા મને પરત મળ્યા છે. સાયબર સેલે આ બાબતે ગુનો નોંધ તપાસ હાથ ધરી છે.


