Get The App

સોનામાં ઊંચા વળતરની લાલચ આપી રૂા. 1.10 કરોડની ઓનલાઇન ઠગાઇ

Updated: Apr 3rd, 2026

GS TEAM

Google News
Google News
સોનામાં ઊંચા વળતરની લાલચ આપી રૂા. 1.10 કરોડની ઓનલાઇન ઠગાઇ 1 - image

રાજકોટમાં ભોગ બનનારે સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવી : 1 કરોડ ગુમાવ્યા છતાં સામાજિક પ્રતિષ્ઠાને લીધે ભોગ બનનાર ફરિયાદ નોંધાવવા માગતા ન હતા

રાજકોટ, : સોનામાં ઊંચા વળતરની લાલચ આપી રાજકોટના એક વ્યક્તિ સાથે રૂા. 1.10 કરોડની ઓનલાઇન છેતરપિંડી થઇ છે. સાયબર ક્રાઇમ પોલીસે જુદા-જુદા જે બેંક ખાતામાં છેતરપિંડીની રકમ જમા થઇ હતી તે સહિતનાઓ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે ભોગ બનનારે રૂા. 1.10 કરોડ ગુમાવ્યા છતાં સામાજિક પ્રતિષ્ઠાના હિસાબે ફરિયાદ કરવા માંગતા ન હતા. આખરે ક્રાઇમ બ્રાંચના ડીસીપી જગદીશ બાંગરવાએ સમજાવટ કરી નામ ગુપ્ત રહેશે તેવી ખાતરી આપતા ફરિયાદ નોંધાવવા તૈયાર થયા હતા. 

ભોગ બનનારનો એક મહિલાએ સોશિયલ મીડિયા થકી સંપર્ક કરી ટ્રેડિંગમાં સારો નફો મળતો હોવાનું કહીં તેને ટીપ આપવાની વાત કરી હતી. જેથી ભોગ બનનારને રસ પડતા તેને મહિલાએ વોટ્સએપ ઉપર એક લિંક મોકલી હતી. જેમાં તેનું ખાતુ બનાવડાવી, રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. સાથોસાથ કઇ રીતે આ એપનો ઉપયોગ કરવો તે પણ સમજાવ્યું હતું. 

ત્યાર પછી ભોગ બનનારે ગોલ્ડમાં ટ્રેડિંગ કરવા માટે જે બેંક એકાઉન્ટ જણાવાયા હતા તેમાં કટકે-કટકે રૂા. 54 લાખ જમા કરાવ્યા હતા. જે રકમ તેને એપમાં દેખાતી હતી. એટલું જ નહીં પ્રોફિટનું બેલેન્સ પણ દેખાતું હતું. ગઠીયાઓએ તેને વધુ રોકાણ કરી તમામ રકમ એક સાથે ઉપાડી લેવા જણાવ્યું હતું પરંતુ તેણે તેટલી રકમ પોતાની પાસે નહીં હોવાનું જણાવતા તેને એક વેબસાઇટ પરથી લોન લેવાનું કહ્યું હતું. લોનની રકમ તેના એકાઉન્ટમાં જમા થઇ જશે તેમ પણ કહ્યું હતું. 

પરિણામે ભોગ બનનારે તે વેબસાઇટ પરથી રૂા. 70 લાખની લોન લીધી હતી, જે એપમાં જમા પણ થઇ ગઇ હતી. આમ છતાં  ગઠિયાઓએ તેને રોકડા ભરે તો જ ગોલ્ડ પ્રોફિટની રકમ ઉપાડી શકશે તેમ કહેતા તેણે રૂા. 55.50 લાખ જમા કરાવ્યા હતા. આ પછી એપમાં રિક્વેસ્ટ નાખતા કસ્ટમર સર્વિસ ચેટમાં 24 કલાક પછી પૈસા જમા થશે તેમ કહેવાયું હતું. 24 કલાક પછી પણ પ્રોફિટની રકમ નહીં મળતા ગઠિયાઓએ કરન્સી એક્સચેન્જ ચાર્જ ભરવાનું કહ્યું હતું. જેને કારણે ફ્રોડ થયાનું જણાતાં આખરે આજે ફરિયાદ નોંધાવી હતી