8 માસમાં શહેરીજનોએ મનપામાં સૌથી વધુ નળ-ગટરની ઓનલાઈન ફરિયાદ નોંધાવી
- મહાપાલિકાના ઓનલાઈન ફરિયાદ પોર્ટલમાં 2,755 ફરિયાદ નોંધાઈ
- બીજા ક્રમે કચરાં અને રોડને લગતી ફરિયાદો નોંધાઈઃ 36 પૈકી 31 વિભાગોએ, 2,280 ફરિયાદનો નિકાલ કર્યો : 80 પેન્ડિંગ અને 395 ફરિયાદને દફતરે કરાઈ
ઓનલાઈન ફરિયાદોનો આંકડો જોતાં શહેરમાં સૌથી વધુ ફરિયાદ પાણી અને ડ્રેનેજની સમસ્યાની એટલે કે નળ-ગટરને લગતી હોવાનું ઓનલાઈન ફરિયાદો જોતાં જણાય છે. મહાપાલિકાએ આ બન્ને વિભાગમાં મેનપાવર વધારવાની સાથોસાથ આધુનિક સુવિધાથી સજજ થવાની જરૂર છે.
જનસંપર્ક વિહોણાં પાંચ વિભાગોને કોઈ જ ફરિયાદ મળી નહીં
ભાવનગર મહાનગરપાલિકાએ ઓનલાઈન ફરિયાદ માટે વિભાજિત કરેલાં ૩૬ વિભાગો પૈકી ઓડિટ, કલ્ચરલ, લિગલ, મીડ ડે મિલ તથા ટ્રાન્સપોર્ટ વિભાગમાં અત્યાર સુધીમાં એકપણ ફરિયાદ મળી નથી.આ પાંચ પૈકી ચાર વિભાગો સીધો જ જનસંપર્ક ધરાવતાં ન હોવાથી તેમાં એકપણ ફરિયાદ નોંધાઈ નથી,જયારે મ્યુનિ.ના ટ્રાન્સપોર્ટ વિભાગ હાલ કાર્યરત ન હોવાથી તેમાં પણ એકપણ ફરિયાદ નોંધાઈ ન હોવાનું જાણવા મળેલ છે.
ત્વરિત નિકાલ માટે ફરિયાદ સીધી જ ફિલ્ડ કર્મીને મળે તેવી સુવિધા
મહાનગરપાલિકામાં કાર્યરત ઓનલાઈન સુવિધામાં કોમ્પ્યુટર વિભાગે એવી વ્યવસ્થા કરી છે કે અરજદાર જે-તે વિભાગની ઓનલાઈન ફરિયાદ કરે તે તુંરંત જ સંબંધિત ફિલ્ડ કર્મચારી કે વોર્ડ કર્મચારીને મળે છે. જે નિયત સમયમાં પુરી ન કરે તો ક્રમશઃ આ ફરિયાદ નાયબ કમિશનર સુધી પહોંચે છે.નોડલ અધિકારી સુધી ફરિયાદ પહોંચે તો નીચેના કર્મચારીએ ફરિયાદનો નિકાલ ન થવાનું કારણ આપવું પડે છે. તેવી જોગવાઈ હોવાથી ફરિયાદનો ત્વરિત નિકાલ થાય છે.
ટૂંકસમયમાં વોટ્સેપથી પણ ફરિયાદ નોંધાવી શકાશે
મહાપાલિકાના કોમ્પ્યુટર વિભાગના વડા અરવિંદ મેરે જણાવ્યું કે, હાલ શહેરમાં રહેતાં કોઈપણ વ્યકિત મહાપાલિકાની વેબસાઈટ કે એપ્લીકેશન મારફતે ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકે છે. જેમાં તેની ફરિયાદનું સ્ટેટસ અને અપડેટ એસએમએસ કે ઈ-મેઈલથી મળે છે. જો કે, ટૂંકસમયમા વોટ્સેપથી ફરિયાદ નોંધાઈ શકે તે દિશામાં મહાપાલિકાએ કાર્યવાહી શરૂ કરી હોવાનું તેમણે અંતમાં જણાવ્યું હતું.