અમરેલી પોલીસે રાજસ્થાન-મધ્યપ્રદેશ સુધી પગેરૂં લંબાવ્યું
ખાનગી બેંકમાં નોકરી કરતી યુવતીને ટેલિગ્રામ ચેનલનાં માધ્યમથી ઉંચા વળતરની લાલચ આપીને રૂા.28 લાખ ખંખેરી લેતા આત્મહત્યા કરી'તી
અમરેલી: અમરેલી જિલ્લામાં એક મહિના પહેલા ખાંભાની ભાડ ગામની યુવતીએ ૨૦ દિવસ પહેલા ૨૮ લાખનું દેવું થઈ જવાથી અનાજમાં નાખવાની ટીકડીઓ ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. મૃતક યુવતી ટેલિગ્રામ ચેનલમાં જોડાયા બાદ ૨૮ લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. પરંતુ, ચીટર ટોળકીએ આ રકમ પરત નહીં આપતા તેણીને આત્મહત્યા કરવી પડી હતી. આ મામલે અમરેલી પોલીસે ચીટર ગેંગનું પગેરું શોધીને મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી બે શખ્સોને ઝડપી પાડયા છે. જ્યારે અન્ય સાગરીતોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
વિગત પ્રમાણે, ખાંભા તાલુકાના ભાડ ગામે રહેતી અને ખાંભામાં ખાનગી ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરતી ભૂમિકા હરેશભાઇ સોરઠિયા નામની ૨૫ વર્ષીય યુવતીએ ગત તા.૧૬ જુલાઇએ પોતાની ઓફિસમાં જ અનાજમાં નાખવાની દવાની ટીકડીઓ ખાઇ લીધી હતી અને સારવાર દરમિયાન મોત થયું હતું. જેની પાસેથી એક સ્યુસાઈડ નોટ પણ મળી હતી, જેમાં દેણું થઈ જવાથી પગલું મર્યાનું લખ્યું હતું. આ મામલે પોલીસે તપાસ કરતાં ખુલ્યું કે, તેણે ટેલિગ્રામ મારફતે એક ગૃપમાં જોઈન્ટ થઈ હતી, જેમાં સભ્ય બનાવવા અને રોકાણ કરવા પર ખુબ મોટા આર્થિક વળતરની લાલચ આપીને ટાર્ગેટ આપવામાં આવતો હતો. જેમાં મેમ્બરશિપના નામે રુપિયા પડાવ્યા હતા. આ ઉપરાંત અલગ અલગ બહાના બતાવીને રૂા.૨૮ લાખ જેટલી મોટી રકમ ચાઉ કરી હતી. જેના કારણે તેણી પર દેણું થઈ જતાં અને રોકાણ કરેલા રૂપિયા પરત નહીં આવતા આત્મહત્યા કરી હતી.
આ મામલે પોલીસની ટેકનીકલ ટીમે પુષ્કરાજ ધર્મેન્દ્ર નામના શખ્સને મધ્યપ્રદેશ અને રોહિત ઉર્ફે જોન અમુલખ રામચંદ્રણી નામના ઈસમને રાજસ્થાનના જોધપુરથી ઝડપી લીધા છે. જેમની પુછપરછ ચાલુ કરવામાં આવી છે. બંને શખ્સો એકાઉન્ટ હોલ્ડર છે, જે બધી માહિતી ચીટર ગેંગની અન્ય વ્યક્તિઓને આપતા હતા. જેનું બંને શખ્સોને મોટું કમિશન મળતું હતું. જેથી પોલીસે અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.


