શિક્ષણ સમિતિની સ્કૂલોમાં ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાની સુવિધા શરુ કરવા કવાયત
વડોદરાઃ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિક નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલોના મુખ્ય શિક્ષકોની સંકલન બેઠક આજે મળી હતી.
આ બેઠકમાં થયેલી ચર્ચા પ્રમાણે શિક્ષણ સમિતિની સ્કૂલોમાં હાલમાં ધો.૧ થી ૮ની ઓફલાઈન પ્રવેશની કાર્યવાહી તો ચાલી જ રહી છે પણ તેની સાથે સાથે વાલીઓને ઓનલાઈન એડમિશન ફોર્મ ભરવાની સુવિધા આપવાની કવાયત પણ શરુ કરાઈ છે.જેમાં સેન્ટ્રલાઈઝ્ડ ઓનલાઈન એડમિશન સિસ્ટમ થકી વાલીઓ ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરી શકશે.તેમને રહેઠાણથી નજીકની સ્કૂલમાં પ્રવેશ માટેનો મેસેજ પણ મોબાઈલ પર મળશે.જેના કારણે તેમનો સમય બચશે.વર્તમાન શૈક્ષણિક વર્ષમાં જ આ સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે પ્રયાસ ચાલી રહ્યા છે.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેને કહ્યું હતું કે, નવા શૈક્ષણિક વર્ષથી ચાર સ્કૂલોમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગ શરુ કરવાની પણ યોજના બનાવાઈ રહી છે.કારણકે આ વર્ષે શિક્ષણ સમિતિના ધો.૧૦ના વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી છે.શરુઆત સામાન્ય પ્રવાહથી કરાશે.તેની સાથે અંગ્રેજી માધ્યમની નવી પાંચ સ્કૂલો શરુ કરવાની પણ વિચારણા છે.
આ બેઠકમાં સ્કૂલોના પરિણામમાં કેવી રીતે સુધારો થાય, સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને સ્કોલરશિપ માટે શિક્ષણ સમિતિની સ્કૂલોના વિદ્યાર્થીઓનું વધારે રજિસ્ટ્રેશન કરવા માટે શિક્ષકોના સૂચનો પણ મંગાવવામાં આવ્યા છે.