Onion Prices Increase : અમદાવાદીઓના ભોજનનો અભિન્ન હિસ્સો ગણાતી ડુંગળી હવે ગૃહિણીઓ સાથે હોટલ સંચાલકોને પણ રડાવી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી ડુંગળીના ભાવમાં સતત ઉછાળો નોંધાઈ રહ્યો છે. હોલસેલ બજારમાં પ્રતિ કિલો ₹8 થી 18 માં વેચાતી ડુંગળીના ભાવ વધીને ₹18 થી 24 સુધી પહોંચી ગયા છે, જેની સીધી અસર છૂટક બજાર પર પડી રહી છે.
છૂટક બજારમાં ₹50 સુધીના ભાવ
જથ્થાબંધ બજારમાં ભાવ વધતા જ શહેરના જુદા જુદા વિસ્તારોમાં છૂટક ડુંગળી ₹30 થી માંડીને ₹50 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. હાલમાં અમદાવાદના માર્કેટ યાર્ડમાં મહારાષ્ટ્રના નાસિક તેમજ સૌરાષ્ટ્રના ભાવનગર, મહુવા અને રાજકોટ પંથકમાંથી ડુંગળીની આવક થઈ રહી છે. જોકે, વેપારીઓના મતે આગામી દિવસોમાં પુરવઠો અને માંગના સમીકરણોને જોતા ભાવમાં હજુ પણ વધારો થવાની શક્યતા છે.
હોટલ ઉદ્યોગમાં ક્વોલિટી અંગે ચર્ચાઓ
ડુંગળીના વધતા ભાવ વચ્ચે હોટલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગમાં એક નવી ચર્ચાએ જોર પકડ્યું છે. બજારના સૂત્રો અને જથ્થાબંધ વેપારીઓના જણાવ્યા અનુસાર, ડુંગળીના વધતા ભાવને કારણે ખર્ચ પર નિયંત્રણ રાખવા માટે વિવિધ સ્તરે પ્રયાસો થઈ રહ્યા છે.
નાની હોટલોની મજબૂરી: બજારના જાણકારોનું કહેવું છે કે, નાની અને મધ્યમ વર્ગની હોટલોમાં ઘણીવાર રસોડા અને શાકભાજીનો સ્ટોક ગ્રાહકોની નજર સામે હોવાથી ત્યાં સંચાલકો સારી ગુણવત્તાની ડુંગળી રાખવાનો આગ્રહ રાખતા હોય છે.
મોટી હોટલો અને ખર્ચનું ગણિત: બીજી તરફ, મોટાપાયે વપરાશ ધરાવતી અને જ્યાં રસોડામાં ગ્રાહકોની સીધી અવરજવર નથી હોતી, તેવી જગ્યાઓએ ખર્ચ ઘટાડવા માટે ઘણીવાર સસ્તા વિકલ્પો કે મધ્યમ ગુણવત્તાની ડુંગળીનો ઉપયોગ થતો હોવાનું બજારમાં ચર્ચાઈ રહ્યું છે. જોકે, આ બાબત સંપૂર્ણપણે હોટલ સંચાલકોની નીતિ પર નિર્ભર રહે છે.
અમદાવાદીઓનો 'ડુંગળી-બટાકા' પ્રેમ
અમદાવાદમાં ખાણીપીણીનું બજાર એટલું વિશાળ છે કે અહીં ડુંગળી અને બટાકાનો વપરાશ ચોંકાવનારો છે. આંકડાકીય માહિતી મુજબ, અમદાવાદીઓ વર્ષ દરમિયાન અંદાજે 23 કરોડ કિલો ડુંગળી અને 20 કરોડ કિલોથી વધુ બટાકા આરોગી જાય છે. હવે જ્યારે આ પાયાની વસ્તુઓના ભાવ વધી રહ્યા છે, ત્યારે તે સામાન્ય માણસના ખિસ્સા પર બોજ વધારી રહ્યા છે.


