Gujarat

તળાજા અને નવી કામરોળના શખ્સોને એક-એક વર્ષની સજા

By GS TEAM
20 Dec 20252 mins read
તળાજા અને નવી કામરોળના શખ્સોને એક-એક વર્ષની સજા

- તળાજા નાગરિક બેન્કને આપેલા ચેક બાઉન્સ થયાના કેસમાં

- તળાજા કોર્ટે બન્ને શખ્સને ચેકની બમણી રકમનો દંડ ફટકાર્યો

ભાવનગર : તળાજા નાગરિક બેન્કમાંથી લોન લીધા બાદ બાકીની રકમના આપેલા ચેક બાઉન્સ થયાના બે અલગ-અલગ કેસમાં બે શખ્સને એક-એક વર્ષની સજા અને ચેકની બમણી રકમનો દંડ ફટકારવામાં આવ્યો છે.

તળાજામાં ગોરખી રોડ, મેમણ જમાતખાનાની બાજુમાં રહેતો અબ્બાસ આદમભાઈ મેતર નામના શખ્સે ધંધાના વિકાસ માટે તળાજા નાગરિક સહકારી બેન્ક લિ.માંથી સભાસદની રૂએ ગત તા.૪-૨-૨૦૧૭ના રોજ રૂા.૧૬,૫૦,૦૦૦ની લોન લીધી હતી. ત્યારબાદ લોનની રકમ નિયમ સમયમર્યાદામાં ભરપાઈ ન કરી લેણી રકમ પેટે ચડત હપ્તા પેટે તા.૧૪-૧૧-૨૦૨૨ના રોજ રૂા.૧૦ લાખનો ચેક આપ્યો હતો. આ ચેક અપૂરતા ભંડોળના શેરા સાથે પરત ફરતા બેન્ક મેનેજરે તેમના વકીલ મારફત તળાજાના એડી. ચીફ જ્યુડી. મેજિસ્ટ્રેટની કોર્ટમાં એન.આઈ. એક્ટની કલમ ૧૩૮ હેઠળ ફરિયાદ દાખલ કરાવી હતી. આ કેસમાં કોર્ટે આરોપી અબ્બાસ મેતરને કસુરવાન ઠેરવી એક વર્ષ સાદી કેદની સજા અને ચેકની બમણી રકમના દંડનો હુકમ કર્યો હતો.

બીજા કેસમાં તળાજાના નવી કામરોળ ગામે રહેતો રઘુવીરસિંહ ઉર્ફે રઘુભા મહિપતસિંહ સરવૈયા નામના શખ્સે ગત તા.૩૧-૩-૨૦૧૭ના રોજ તળાજા નાગરિક સહકારી બેન્ક લિ.માંથી સભાસદની રૂએ રૂા.૫,૯૫,૦૦૦ની લીધેલી લોનની લેણી રકમ પેટે વર્ષ ૨૦૨૪માં રૂા.૯,૯૦,૦૦૦નો આપેલો ચેક બાઉન્સ થતાં બેન્ક મેનેજરે કોર્ટમાં કેસ દાખલ કરાવ્યો હતો. જેમાં તળાજાના એડી. ચીફ જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટે આરોપી રઘુવીરસિંહ ઉર્ફે રઘુભા સરવૈયાને તકસીરવાન ઠેરવી એક વર્ષ સાદી કેદની સજા અને ચેકની રકમનો બમણો દંડ ફટકાર્યો હતો.