પાલિતાણા અને ખારી ગામના શખ્સોને એક-એક વર્ષની સજા

- ચેક બાઉન્સના કેસમાં પાલિતાણા કોર્ટનો ચુકાદો
ભાવનગર : પાલિતાણા અને સિહોર તાલુકાના ખારી ગામના બે શખ્સને ચેક બાઉન્સના કેસમાં એક-એક વર્ષની સજા અને દંડનો હુકમ કરવામાં આવ્યો છે.
પાલિતાણાના વીરપુર રોડ, હવામહેલ વિસ્તારમાં રહેતા અને પાલિતાણામાં વડવાળા ફાયનાન્સના નામે નાણાં ધીરધારનો વ્યવસાય કરતા મામૈયાભાઈ સગરામભાઈ ગીડ પાસેથી વિક્રમ મનજીભાઈ મકવાણા (રહે, ખારી ગામ, તા.સિહોર) નામના શખ્સે ગત તા.૩-૫-૨૦૧૮ના વાર્ષિક દોઢ ટકા શરાફી વ્યાજે રોજ રૂા.૫૦,૦૦૦ લીધા બાદ રકમ ભરપાઈ ન કરી આપેલો ચેક બાઉન્સ થતાં શખ્સ સામે પાલિતાણાના જ્યુડી. મેજિ. ફર્સ્ટક્લાસની કોર્ટમાં એન.આઈ. એક્ટની કલમ ૧૩૮ મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ કેસમાં કોર્ટે આરોપી વિક્રમ મકવાણાને ગુનેગાર ઠેરવી એક વર્ષ સાદી કેદની સજા અને રૂા.૪૫,૦૦૦નો દંડ, જો દંડ ન ભરે તો વધુ ચાર માસની સાદી કેદની સજા ફટકારી હતી.
બીજા કેસમાં પાલિતાણામાં આપા ફાયનાન્સના નામે નાણાં ધીરધારનો વ્યવસાય કરતા અર્જુનભાઈ માયાભાઈ ભમ્મર (રહે, મામલતદાર/જીઈબી ઓફિસની સામે, પાલિતાણા)એ કનુ રતીલાલ બારૈયા (રહે, હનુમાનવાળી શેરી, પાલિતાણા) સામે પોતાના વકીલ મારફત પાલિતાણાના જ્યુડી. મેજિ. ફર્સ્ટક્લાસની કોર્ટમાં વર્ષ ૨૦૨૦માં એન.આઈ. એક્ટની કલમ ૧૩૮ હેઠળ નોંધાવેલી ફરિયાદમાં કોર્ટે આરોપી કનુ બારૈયાને તકસીરવાન ઠેરવી એક વર્ષ સાદી કેદની સજા અને રૂા.૨,૮૯,૪૨૬નો દંડ ફટકાર્યો છે. જો દંડની રકમ ન ભરે તો વધુ ચાર માસ સાદી કેદની સજાનો કોર્ટે હુકમ કર્યો હતો.

