Get The App

ગુજરાતના ઈતિહાસનો સૌથી દર્દનાક અગ્નિકાંડનું 1 વર્ષ પૂરૂ

Updated: May 24th, 2025

GS TEAM


Google News
Google News
ગુજરાતના ઈતિહાસનો સૌથી દર્દનાક અગ્નિકાંડનું 1 વર્ષ પૂરૂ 1 - image


TRP ગેમઝોનમાં 27 નિર્દોષો એવા ભડથું થયા કે કોઈની લાશ ઓળખાઈ ન્હોતી : ભાજપના નેતાઓ સામે કોઈ પગલા નહીં, પોલીસ અને મ્યુનિ.કમિશનરોની માત્ર બદલી કરી બાદમાં યોગ્ય સ્થળે પોસ્ટીંગ આપ્યું : પોલીસ,પીડબલ્યુડીના અફ્સરોને માત્ર સસ્પેન્શન

રાજકોટ, : રાજકોટમાં આજથી બરાબર એક વર્ષ પહેલા તા. 25-52024 ના સાંજે નાનામવા રોડ પર 3000 ચો.મી.માં ફાયર સેફ્ટી વગર અને પ્લાન-કમ્પલીશન વગર મનપાના અધિકારીઓ અને પદાધિકારીઓની મીઠી નજર હેઠળ અને ફાયર એનઓસી ન્હોતું છતાં પોલીસના લાયસન્સથી ગેરકાયદે ધમધમતા ટીઆરપી ગેમઝોનમાં ધડાકા સાથે ભયાનક આગ ભભુકી જેમાં બાળકો સહિત 27 નિર્દોષ નાગરિકો એટલી હદે સળગીને ભડથું થઈ ગયા કે તેમાંથી એક પણ વ્યક્તિના શરીરનું એક પણ અંગ બચ્યું ન્હોતું. એકેય મૃતદેહની એક પણ ઓળખ ન્હોતી. ડીએનએ મેચ કરીને માત્ર પોટલામાં રાખ થયેલા અવશેષોથી અંતિમક્રિયા થઈ હતી. ગુજરાતના ઈતિહાસના આ સૌથી દર્દનાક અને ભયાનક અગ્નિકાંડમાં આજે પણ મૃતકોના ચિત્કારો સંવેદનશીલ હૃદયોમાં પડઘાય છે. કાયદાની ભાષામાં આ કાવત્રાપૂર્વકનો સાપરાધ મનુષ્યવધના ગુનાની રાજકોટ પોલીસે તપાસ કરીને 15  આરોપીઓની ધરપકડ કરી તેમના વિરૂધ્ધ તા. 24 જૂલાઈએ આશરે 5,000 પાનાના પુરાવા સાથે ચાર્જશીટ કર્યું છે પરંતુ, સરકારે અશ્વિનીકુમારની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરની સત્યશોધક કમિટિ ઉપરાંત સિટની રચના કરી જેની આજ સુધીની તપાસમાં અગ્નિકાંડનું જોખમ જેના થકી સર્જાયું તે તેને છાવરનારા પદાધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ સહિત કોઈ મગરમચ્છો સરકારની ઉચ્ચસ્તરીય તપાસની જાળમાં ફસાયા નથી અને આ ઉચ્ચ અફ્સરોએ શુ વિશેષ સત્ય શોધ્યું તે આજે પણ એક સવાલ છે. 

એકંદરે (1) મનપાએ વોર્ડ નં. 10માં આ ગેરકાયદે ગેમઝોન નવું અને નાનકડું બાંધકામ ન્હોતું, 4 વર્ષ પહેલા ખડકાયું અને પછી વિસ્તર્યું હતું. આમ છતાં કોના ઈશારે ગેરકાયદે બાંધકામને રહેવા દીધું અને આ બાંધકામને નોટિસ આપ્યા પછી પણ હટાવ્યું નહીં ? આરોપી ટી.પી.ઓ.સાગઠીયા અને એ.ટી.પી.ઓ.એ જાતે જ આવુ કર્યું કે કોઈના દબાણ હેઠળ, જાતે કર્યું હોય તો ઉપર બેઠેલા કમિશનર,મેયર,ચેરમેનને કેમ ગંધ ન આવી,આ જ સાગઠીયાએ બોગ્સ દસ્તાવેજો ઉભા કરી રેકોર્ડ સાથે ચેડાં કર્યા અને કરોડો રૂ.ની બેનંબરી મિલ્કતનો અલગ ગુનો નોંધાયો તેમાં પણ ઉચ્ચ તપાસનીશો એ કેમ ન શોધી શક્યા કે આ કરોડો રૂ.આપનારા કોણ છે અને તેમાં કોઈનો ભાગ છે કે કેમ?   (2) પોલીસે પ્લાન મંજુરી-ફાયર એન.ઓ.સી.નહીં હોવા છતાં ગેમઝોનનું લાયસન્સ શા માટે આપ્યું (3) ઉચ્ચ અફ્સરો ત્યાં વિઝીટ લીધી ત્યારે તેમના ધ્યાનમાં આ વાત કેમ ન આવી (4) મોરબીમાં ઝુલતાપૂલ કાંડ પછી આખી સુધરાઈના તમામ સભ્યોને ઘરભેગા કરી દેવાયા ત્યારે રાજકોટમાં કેમ કોઈના પાસેથી ચાર્જ પણ લેવાયો નહીં? (5) પોલીસ અને મ્યુનિ.કમિશનરની કોઈ જવાબદારી જ ન્હોતી તો બદલી કેમ કરાઈ અને ચાર્જ વગરના કેમ રાખ્યા અને જવાબદારી હતી તો પછી યોગ્ય પોસ્ટીંગ કેમ આપી દેવાયું (6) પોલીસ અને માર્ગ મકાન વિભાગમાં માત્ર સસ્પેન્શનનું પગલુ અને માત્ર મનપાના અધિકારીઓ જ આરોપી બન્યા ત્યારે શુ માત્ર મનપા એક જ જવાબદાર હતું? (7) અગ્નિકાંડ થઈ ગયા પછી સરકારની સૂચનાથી મનપાના કમિશનર ડી.પી.દેસાઈએ સેંકડો મિલ્કતોને ફાયર સેફ્ટી,પ્લાન-કમ્પલીશન નહીં હોવાથી સીલ કરી અને આવી ઝૂુંબેશ આખા રાજ્યમાં થઈ પરંતુ, પછી આજે પણ રાજકોટમાં 2106માંથી 99 ટકા મિલ્કતોમાં ફાયર એન.ઓ.સી. નથી અને એ જ રીતે કમ્પલીશન નથી છતાં સીલ મનપાએ ખોલ્યા કે સરકારે ખોલવા મંજુરી આપી? વગેરે સવાલો વિપક્ષ સહિત આજે પણ ઉઠાવતા રહ્યા છે.  ખુદ તત્કાલીન જિલ્લા કલેક્ટર, મ્યુનિ.કમિશનર, ધારાસભ્ય, પોલીસના ઉચ્ચ અધિકારીઓ આ ગેમઝોનના મહેમાન બન્યા હતા અને બૂકે સ્વીકારતા તેમના ફોટો વાયરલ થયા હતા પરંતુ, આ અફ્સરોએ ત્યાં જઈને આ ગેમઝોન કે જેમાં ફાયર એન.ઓ.સી. નથી, ફાયર સેફ્ટી નથી અને અતિ જ્વલનશીલ પદાર્થો ઠાંસી ઠાંસીને વાપર્યા છેતે જોવા સમજવાની તસ્દી લીધી ન્હોતી. અને આમ છતાં આ અધિકારીઓનો તેમાં કોઈ વાંક-ગુનો સત્યશોધક કમિટિને જણાયો ન્હોતો. પોલીસ કમિશનરે પ્લાન મંજુરી,ફાયર સેફ્ટી નહીં હોવા છતાં લાયસન્સ આપી દીધું જેના આધારે તે ધમધમતું હતું છતાં તેમાં તેમનો પણ કોઈ ગુનો તપાસમાં ઠર્યો નથી.  અગ્નિકાંડ થયાના ચોવીસ કલાકમાં જ ક્રાઈમ સીન વેરવિખેર થઈ ગયો હતો અને ગેમઝોનનો કાટમાળનો બાજુમાં ઢગલો કરી દેવાયો હતો. અગ્નિકાંડ વખતે ભાજપના માત્ર બે નેતાઓ, વજુભાઈ વાળા અને રામભાઈ મોકરીયાએ તંત્ર સામે સવાલો કર્યા હતા, બાકીનાએ મૌન સેવ્યું હતું. કોંગ્રેસે પૂરા જોશથી આ મુદ્દો ઉઠાવ્યો હતો અને આજે પણ આ અંગે પીડિતોના પરિવારોને નોકરી નથી મળી અને મોટા માથાઓને સજા નથી થઈ તે સવાલો કર્યા છે.

Tags :