જન્માષ્ટમી ઈફેક્ટ! અમદાવાદ-ગોવાનું વન-વે એરફેર બમણાથી ત્રણ ગણું વધ્યું, દુબઈ-સિંગાપોર કરતાં મોંઘું
Airfare Rise Two Times In Festive Season: આગામી ઓગસ્ટમાં તહેવારોની વણઝાર શરૂ થાય તે પહેલાં જ હવાઈ ભાડામાં તોતિંગ વધારો થયો છે. જન્માષ્ટમીની રજાઓમાં ગોવા જવાનું આયોજન કરી રહ્યા હોવ તો સામાન્ય દિવસો કરતાં બમણાંથી વધુ ભાડું ચૂકવવુ પડી શકે છે.
ગોવાનું એરફેર બમણું થશે
આ વખતે 15 ઓગસ્ટ, શુક્રવારે જાહેર રજા અને 16મીએ જન્માષ્ટમીની રજા હોવાથી લોંગ વિકેન્ડ મળશે. આ કારણસર અમદાવાદ-ગોવાનું વન-વે હવાઈ ભાડું સામાન્ય દિવસોમાં રૂ. 4000ની આસપાસ હોય છે, જે વધીને રૂ. 10000-10500એ પહોંચ્યું છે. ટ્રાવેલ ઈન્ડસ્ટ્રીના સૂત્રોના મતે, તહેવારોની સીઝન શરૂ થતાં ડોમેસ્ટિક ફ્લાઈટનું ભાડું બમણાથી ત્રણ ગણું સુધી વધવાની શક્યતા છે. જેે દુબઈ અને સિંગાપોરની રાઉન્ડ ટ્રીપ એરફેર કરતાં પણ વધી શકે છે.
હવાઈ ભાડામાં વધુ વધારો થવાની શક્યતા
જન્માષ્ટમીના તહેવાર શરુ થવાના હોય તેના ત્રણેક દિવસ અગાઉ ગુજરાતમાંથી જુગાર રમવાના શોખીનો ગોવામાં ધામા નાખી દેતા હોય છે. રજાઓમાં બે-ત્રણ દિવસ માત્ર જુગાર રમવાના ટાર્ગેટ સાથે પહોંચનારા આવા જુગારના રસિયાઓમાં માત્ર યુવાનો જ નહીં કપલ્સ પણ સામેલ હોય છે. જન્માષ્ટમીની રજાઓ નજીક આવશે તેમ એરફેર વધી રૂ. 12000 સુધી પહોંચે તેવી સંભાવના છે.
સ્થાનિક કરતાં આંતરરાષ્ટ્રીય હવાઈ ભાડું સસ્તું
તહેવારોની સીઝનમાં હવાઈ મુસાફરોની સંખ્યામાં વધારો થતાં હવાઈ ભાડું અનેક ગણું વધી જાય છે. ડોમેસ્ટિક ફ્લાઇટની એર ટિકિટ ઇન્ટરનેશનલ ફ્લાઇટના એરફેર કરતાં મોંઘી બને છે. 14 ઓગસ્ટના ભાવની તુલના કરીએ તો ગોવાનું વન વે ભાડું વધી રૂ. 10,000થી 11,000 થયું છે. જ્યારે દુબઈનું વન વે એરફેર રૂ. 14000 અને સિંગાપોરનું વન વે એરફેર રૂ. 9000 છે.