Gujarat

જામનગર શહેર અને જિલ્લામાં પણ ગઈકાલે રાત્રેથી મેઘરાજાએ શ્રી ગણેશ કર્યા : સાર્વત્રિક એક થી બે ઇંચ વરસાદ નોંધાયો

By GS TEAM
17 Jun 20252 mins read
TukuTouch Logo
જામનગર શહેરમાં ગઈકાલે રાત્રે એક ઇંચ જયારે જોડીયામાં બે ઉપરાંત લાલપુર, જામજોધપુર, ધ્રોળ અને કાલાવડમાં દોઢ ઇંચ પાણી પડ્યું

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર શહેર અને જિલ્લામાં પણ ગઈકાલે રાત્રેથી મેઘરાજાએ શ્રી ગણેશ કર્યા : સાર્વત્રિક એક થી બે ઇંચ વરસાદ નોંધાયો

Jamnagar Monsoon Season : જામનગર શહેર અને જિલ્લાની પ્રજા કેટલાય દિવસથી જેની રાહ જોઈ રહી હતી, તે મેઘરાજાએ ગઈકાલે રાત્રે શ્રી ગણેશ કર્યા છે, અને જામનગર શહેર તેમજ સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક એક થી બે ઇંચ વરસાદ નોંધાયો છે. જેથી શહેરીજનો ઉપરાંત ખેડૂતો પણ ખુશખુશાલ બન્યા છે.

જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી ઉકળાટ ભર્યું વાતાવરણ બનેલું રહ્યું હતું. માત્ર કાલાવડ અને જામજોધપુરમાં છુટાછવાયા વરસાદી ઝાપટાં નોંધાયા હતા, જ્યારે બાકીના વિસ્તારોમાં મેઘરાજા હાથ તાળી આપીને ચાલ્યા જતા હતા. 

પરંતુ ગઈકાલે સાંજથી વાતાવરણમાં બદલાવ આવ્યો હતો, અને સૌ પ્રથમ ઠંડો પવન ફૂંકાવાનો શરૂ થયો હતો, અને સાંજે 7.00 વાગ્યા બાદ ધીમે ધીમે વરસાદના છાંટા શરૂ થયા હતા, અને સમગ્ર જિલ્લામાં રાત્રી ભર મેઘરાજાનો પ્રથમ રાઉન્ડ શરૂ થયો હતો. જેથી સમગ્ર જિલ્લાની પ્રજા ખુશ ખુશાલ બની છે, અને હજુ પણ વરસાદી વાતાવરણ બનેલું રહ્યું છે. જો કે રાત્રિ દરમિયાન વરસાદ પડ્યો હોવાથી લોકોએ વરસાદમાં નહાવાનો આનંદ લઈ શક્યા નથી.

જામનગર શહેરમાં ગઈકાલે સાંજે 7.00 વાગ્યાથી ઠંડા પવન સાથે છાંટા પડ્યા હતા, પરંતુ રાત્રીના 11.00 વાગ્યા બાદ ઝરમર ઝરમર વરસાદ શરૂ થયો હતો, અને સવારે 8.00 વાગ્યા સુધીમાં એક ઇંચ (21 મી.મી.) જેટલો વરસાદ પડી ગયો હોવાના અહેવાલ મળ્યા છે. આ ઉપરાંત જોડીયામાં 46 મી.મી., ધ્રોલમાં 34 મી.મી., કાલાવડમાં 29 મી.મી., લાલપુરમાં 26 મી.મી. અને જામજોધપુરમાં 38 મી.મી. વરસાદ નોંધાયો છે.

ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ મહેર શરૂ કરી હતી, અને ખાસ કરીને જામનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારો ઉપરાંત જોડિયા લાલપુર અને કાલાવડના ગ્રામ્ય પંથકમાં અડધાથી બે ઇંચ જેટલો વરસાદ પડી ગયો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. સમગ્ર જિલ્લાના પ્રત્યેક ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ છે, જેને લઈને ખેડૂતો ખુશખુશાલ બન્યા છે, અને વાવણી કાર્ય શરૂ કરી દેવાયું છે.

મેઘરાજાની એન્ટ્રી સાથે સાથે જામનગર શહેરમાં રાબેતા મુજબ કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો, અને રાત્રી દરમિયાન લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે વીજ તંત્ર પણ કામે લાગ્યું હતું, અને બે કલાક સુધીમાં મોટાભાગના વિસ્તારમાં વીજ પુરવઠો રાબેતા મુજબ બન્યો હતો.