Vadodara : વડોદરા શહેરનો રાતોરાત વિકાસ કરી નાખવાનું પાલિકા તંત્રને જાણે કે સપનું આવ્યું હોય એવી રીતે વડોદરામાં ચારે બાજુએ કોઈકને કોઈ કારણોસર રોડ રસ્તાનું ખોદાણ કરી નાખવામાં આવ્યું છે પરિણામે જાત જાતના અકસ્માતો રોજિંદા વધ્યા છે. શહેરીજનો ઢોલના રજકણોના કારણે એલર્જીક બીમારીઓનો ભોગ બની રહ્યા છે. આમ છતાં પણ ગોરવા પંચવટી કેનાલ થી રૂબી સર્કલ સુધીના રસ્તે ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી બાદ ખરાબ થયેલા હાલના રસ્તા પર ખોદાણ કરીને નવો રોડ બનાવવા અંગે આજથી એક મહિના સુધી 30 દિવસ માટે એક બાજુનો ટ્રેક સંપૂર્ણપણે બંધ રહેશે. જેથી અન્ય ટ્રેકમાં બંને તરફના ટ્રાફિકને અવરજવર કરવાની ફરજ પડશે.
ઉલ્લેખનીય છે કે ચાલુ નાણાકીય વર્ષ 2024-25ને પૂર્ણ થવામાં હવે ફક્ત બે મહિના બાકી છે. જ્યારે બીજી બાજુ વડોદરા શહેરને વિકાસના ક્ષેત્રે પ્રથમ નંબરે લાવવાનું ભૂતક તંત્રના માથે સવાર થયું હોવાનું નકારી શકાતું નથી ત્યારે વડોદરાના આંતરિક તથા મોટાભાગના તમામ રોડ રસ્તા ગમે તે કારણોસર ખોદી નાખવામાં આવ્યા છે. પરિણામે રાહદારીઓને ચાલવા માટે ફૂટપાથ પણ શોધવા પડે એવી સ્થિતિ થઈ છે. અનેક લોકો દૂરના રજકણોના કારણે એલર્જીક બીમારીનો ભોગ બની ગયાની પણ શક્યતા સેવાઈ રહી છે. આમ છતાં પણ ખોદાયેલા રોડ રસ્તાની કામગીરી પૂર્ણ કરવા પણ કોન્ટ્રાક્ટરોને કાંઈ પડી નથી.
હવે ગોરવા પંચવટી કેનાલથી રૂબી સર્કલ સુધીનો હાલનો રસ્તો ડ્રેનેજ લાઈન નાખવાના લીધે ખૂબ જ ખરાબ થઈ ગયો છે. પરિણામે પંચવટી કેનાલથી રૂબીન સર્કલ સુધીનો હાલનો રસ્તો સંપૂર્ણપણે ખોદાણ કરીને નવો બનાવવાનું તંત્ર દ્વારા નક્કી કરાયું છે. પરિણામે હાલના ખરાબ થયેલા રસ્તા પર નવો રોડ બનાવવાની કામગીરી કરવાની હોવાથી આજે તા.20 જાન્યુઆરીથી એક મહિના સુધી આ ડબલ ટ્રેક પૈકીનો એક બાજુનો ટ્રેક કાર્યવાહી અંગે સંપૂર્ણપણે બંધ રાખવો પડશે જ્યારે એક ટ્રેક સંપૂર્ણ બંધ હોવાથી બીજા ટ્રેક ઉપર બંને તરફનો ટ્રાફિક અવર-જવર કરી શકશે. તેમ રોડ શાખાના કાર્યપાલક દ્વારા જણાવાયું હતું.


