બગોદરાના નાના પુલ પરથી કાર ખાબકતા એક વ્યક્તિને ઈજા
- 60 વર્ષ જૂના જર્જરિત પુલ પર મોટા ખાડાં
- કારમાં સવાર ચારનો આબાદ બચાવ : મોટી દુર્ઘટના પહેલા પુલના સમારકામની માંગ
બગોદરા : બગોદરાના નાના પુલ પરથી કાર પલટી જતા એક વ્યક્તિને ઈજા થતા સારવાર માટે ખસેડાઈ હતી. જો કે, કારમાં સવાર ચાર વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો. ૬૦ વર્ષ જૂના જર્જરિત પુલ પર મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા સમારકામ કરવા માંગણી ઉઠી છે.
બગોદરા અમદાવાદ રાજકોટ હાઇવે પર આવેલા બગોદરાના નાના પુલ પરથી કાર પલટી મારી હતી. કાર પલટી મારતા જર્જરિત ભોગવવાના નાના પુલ પરથી પાણીમાં ખાબકી હતી. સદનસીબે કારમાં સવાર ચાર જેટલા લોકોનો આબાદ બચાવ થયો હતો. જેમાંથી એકને ઇજાઓ થતા બગોદરા ૧૦૮ દ્વારા બગોદરાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જે પુલ હાલ જર્જરિત હાલતમાં છે. ગમે ત્યારે તે તૂટી જવાનો ભય છે. પૂલ ઉપર અસંખ્ય ખાડાઓ પડેલા છે. ખાડાઓના કારણે વાહન ચાલકોનો સ્ટેરીંગ ઉપર કાબુ રહેતો નથી અને અકસ્માત થવાનો વારંવાર ભય વાહન ચાલકોમાં રહ્યા કરે છે. જર્જરિત પુલ ૬૦ વર્ષ જૂનો છે. ત્યારે આ પુલ ઉપરથી કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા તેનું સમારકામ કરાય તેવી માંગણી ઉઠી છે.