બે બાઈક વચ્ચે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત, બે ઈજાગ્રસ્ત

- ઉમરેઠની ઓડ ચોકડી પાસે
- મિત્ર ફૂડની દુકાને પાર્સલ કરાવતો હતો ત્યારે અન્ય બાઈકે પૂરઝડપે આવી ટક્કર મારી
ઉમરેઠ નજીકના જાખલા ગામના મોરપુરા ખાતે રહેતો ૨૭ વર્ષીય કમલેશ ઈશ્વરભાઈ ઠાકોર ગઈકાલ સાંજે બાઈક લઈને મિત્ર સાથે ઉમરેઠ નડિયાદ રોડ ઉપર આવેલ ફૂડની દુકાને ગયો હતો. જ્યાં જમીને કમલેશ પોતાના બાઈક નજીક ઉભો હતો.
જ્યારે તેનો મિત્ર પાર્સલ કરાવી રહ્યો હતો દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી ચડેલ અન્ય બાઈક ચાલકે પોતાનું બાઈક કમલેશના બાઈક સાથે અથડાવતા કમલેશ તથા અન્ય બાઈકનો ચાલક અને તેની પાછળ સવાર શખ્સ રોડ ઉપર પટકાયા હતા. જેમાં ઉમરેઠના રાવળીયા ચકલા ખાતે રહેતા ચેતન ઈશ્વરભાઈ રાવળનું માથા તેમજ શરીરના અન્ય ભાગોએ ગંભીર ઇજાઓ થવાના કારણે ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું. ત્યારે કમલેશ તથા અન્ય એકને ઈજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ બનાવ અંગે ઉમરેઠ પોલીસે કમલેશ ઠાકોર ની ફરિયાદના આધારે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી









