- પોલીસે ફરિયાદ નોંધીને તપાસ આદરી
- ચાલક સ્ટિયરિંગ પર અચાનક ઢળી પડતા આગળ જતા ટેન્કર સાથે કાર ટકરાઇ, કાકા- ભત્રીજાને ઇજા
આણંદ : વાસદ - બગોદરા સિક્સલેન હાઈવે ઉપર આવેલા બોરસદ તાલુકાના બોદાલ ગામની સીમમાં ગતરોજ પૂર ઝડપે જઈ રહેલા એક કારના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા કાર આગળ જતી ટેન્કરની પાછળના ભાગે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કાર ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું જ્યારે કાકા અને ભત્રીજાને ઇજાઓ થતા સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
મુંબઈ ખાતે રહેતા અશોકભાઈ જયરામભાઈ ગોઢકીયા મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વતની છે. તેઓ વડોદરા ખાતે રહેતા અને સાડીઓનો વ્યાપાર કરતાં પોતાના ભાઈ કિસન ગોઢકિયા અને તેમના દસ વર્ષના પુત્ર સાથે પોતાના વતન ગયા હતા જ્યાંથી ગઈકાલ સાંજના સુમારે તેઓ પરત આવવા નીકળ્યા હતા. કિશનભાઇ કાર હંકારી રહ્યા હતા રાત્રિના સુમારે તેઓ વાસદ બગોદરા હાઈવે ઉપર આવેલા બોરસદ તાલુકાના બોદાલ ગામની સીમમાંથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે અચાનક કાર ચાલક કિશનભાઇ સ્ટેયરિંગ પર ઢળી પડયા હતા. જેથી કાર ઉપર કાબુ ન રહેતા કાર આગળ જઈ રહેલી એક ટેન્કરની પાછળના ભાગે ધડાકાભેર અથડાઈ હતી જેમાં કાર ચાલક કિશનભાઇને માથા તેમજ શરીરના અન્ય ભાગોએ ગંભીર ઈજા થઇ હતી. અશોકભાઈ તથા ભત્રીજાને પણ વધતા ઓછા પ્રમાણમાં ઇજા થઇ હતી. અકસ્માતને પગલે ૧૦૮ ની ટીમ તુરંત જ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને કારચાલકને તપાસીને મૃત જાહેર કર્યો હતો જ્યારે ઇજાગ્રસ્ત કાકા અને ભત્રીજાને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે બોરસદ શહેર પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


