For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ATSની તપાસમાં ઘટસ્ફોટઃ રાજકોટમાંથી ઝડપાયેલા ત્રણમાંથી એક આતંકી જેતપુરના સોની બજારમાં કામ કરતો હતો

જેતપુરના સાડી ઉદ્યોગમાં 50,000 કરતા વધુ પરપ્રાંતીય કારીગરો કામ કરી રહ્યા છે

Updated: Aug 4th, 2023

ATSની તપાસમાં ઘટસ્ફોટઃ રાજકોટમાંથી ઝડપાયેલા ત્રણમાંથી એક આતંકી જેતપુરના સોની બજારમાં કામ કરતો હતો

રાજકોટઃ તાજેતરમાં જ ગુજરાત ATS દ્વારા રાજકોટમાંથી આતંકી સંગઠન સાથે સંકળાયેલા અલકાયદાના ત્રણ આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ ત્રણેય આતંકીઓની રિમાન્ડ દરમિયાન પુછપરછમાં સામે આવ્યું હતું કે,ત્રણ આતંકી પૈકી એક સૈફ નવાઝ નામનો આતંકી અગાઉ જેતપુરમાં 5 વર્ષ સુધી રહી ચૂક્યો છે. તે સોનીબજારમાં બંગાળી કારીગર તરીકે કામ કરતો હતો. હવે આ તપાસના તાર જેતપુર સુધી પહોંચે તેવી શક્યતાઓ છે. 

ત્રણ જેટલા કારીગરોને સોનીકામે રાખ્યા હતા

પ્રાપ્ત વિગતો પ્રમાણે અલ-કાયદા માટે કામ કરતા ત્રણ આતંકવાદી પૈકી સૈફ ઉર્ફે શોએબ નવાઝ નામનો આંતકવાદી જેતપુર સ્થિત મહંમદ ખેરુદ્દીન ઉર્ફે સિરાજ શેખ અને મહંમદ શાહબુદ્દીન શેખ ઉર્ફે શાહબુદ્દીન નામના બંગાળી મુસ્લિમભાઈઓને ત્યાં 5 વર્ષથી સોનીકામ કરતો હતો. હાલ સોનીકામમાં મંદી આવતાં શાહબુદ્દીને રાજકોટમાં આવી પોતાનો વ્યવસાય નવેક મહિનાથી શરૂ કર્યો હતો અને ત્યાં ત્રણ જેટલા કારીગરોને સોનીકામે રાખ્યા હતા જેમાં આતંકી સૈફ નવાઝને પણ રાખ્યો હતો.

હવે જેતપુરમાં તપાસ સઘન બનાવાશે

જેતપુરના સાડી ઉદ્યોગમાં 50,000 કરતા વધુ પરપ્રાંતીય કારીગરો કામ કરી રહ્યા છે.રાજકોટમાંથી ઝડપાયેલા આતંકવાદીઓ બીજા લોકોને અલ-કાયદા મોડ્યૂલ સાથે જોડવા તેમજ જેહાદી પ્રવૃત્તિ તરફ જોડવા કામ કરતા હોવાની માહિતી ATSને મળી હતી, ત્યારે શું આ આતંકવાદી જેતપુરમાં રહી આ પ્રવૃત્તિ કરી હતી કે કેમ અથવા જેતપુરના કોઈ શખસને પોતાની સાથે આ પ્રવૃત્તિમાં જોડાવવા કામ કર્યું હતું કે કેમ એ દિશામાં તપાસ કરવામાં આવશે.


Gujarat