Get The App

પશુ બચાવવા નીકળેલા ગૌરક્ષકોમાંથી એકની પૈસાની લેતી-દેતી મામલે હત્યા

Updated: Apr 22nd, 2026

GS TEAM

Google News
Google News
પશુ બચાવવા નીકળેલા ગૌરક્ષકોમાંથી એકની પૈસાની લેતી-દેતી મામલે હત્યા 1 - image

અણીયારી ટોલનાકાં નજીક છ શખ્સો છરી વડે તૂટી પડયા : 'શિવમ રબારીએ મોકલ્યા છે, તેના પૈસા કેમ આપતો નથી' કહી જીવલેણ હુમલો, : વચ્ચે પડેલા મિત્રને પણ છરીનો ઘા ઝીંકી દેવાયો

મોરબી, : માળિયા હળવદ હાઇવે પર પૈસાની લેતીદેતી મામલે માથાકૂટ કરી છ ઇસમોએ છરીના આડેધડ ઘા મારી ગૌરક્ષક યુવાનને મોતને ઘાટ ઉતારી દીધો હતો. માળિયા પોલીસે છ આરોપીઓ વિરૂધ્ધ હત્યાની કલમ હેઠળ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

મોરબીના આલાપ પાર્ક સોસાયટીમાં રહેતા વિવેક વિનોદભાઈ ઉર્ફે વેલજીભાઈ પટેલે મોરબીમાં રહેતા શિવમ રબારી હોથળ ફાયનાન્સવાળા, રમેશ રબારી, કિશન ચૌહાણ, પૃથ્વીરાજસિંહ ઝાલા, હીરાભાઈ ઉલવા અને ગુલામ હુશેન પઠાણ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે તે અન્ય ગૌરક્ષક મિત્ર અનિલ હરીલાલ કંડિયા, પાર્થ મનસુખભાઈ નેસડિયા, વિશાલ મનસુખ નેસડિયા, આકાશ જામરીયા, કાર્તિકભાઈ કાવર અને રાહુલ મોરબીથી માળિયા ધ્રાંગધ્રા રોડ પર અણીયારી ટોલનાકા પાસે એક પાડા ભરેલું આઈસર નીકળવાનું હોવાથી વોચમાં અણીયારી ટોલનાકે ગયા હતા. રાત્રિના એકાદ વાગ્યે ટોલનાકા પાસે એક હોટલે નાસ્તો કરવા ગયા ત્યારે એક ઇકો ગાડી આવી જેમાંથી છએ આરોપીઓ ઉતર્યા હતા. અનિલને 'અમને બધાને હોથલ ફાયનાન્સવાળા શિવમ રબારીએ મોકલ્યા છે તું કેમ શિવમભાઈના પૈસા આપતો નથી' તેમ કહી ઝઘડો કરી છરીના આડેધડ ઘા મારવા લાગ્યા હતાં.

મિત્રને બચાવવા માટે તે વચ્ચે પડતા પૃથ્વીરાજસિંહે છરીનો એક ઘા મારી દીધો હતો. જેથી હોટેલ સંચાલક તેમજ સાથેના માણસો વચ્ચે પડતાં આરોપીઓ ઇકો ગાડીમાં નાસી ગયા હતા. ત્યારબાદ બંને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઇ જવાયા હતાં. અનિલભાઈ હરીલાલ કંડિયાને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા, જ્યાં હોસ્પિટલમાં મોતથયું હતું.

આ બનાવમાં ભોગ બનનાર અનિલભાઈ કંડિયાએ શિવમ રબારી હોથલ ફાયનાન્સવાળા પાસેથી પૈસા લીધા હોવાથી તે પૈસાની લેતીદેતી મામલે શિવમ રબારીએ અગાઉ પ્લાન બનાવી તેના માણસોને ઘાતક હથિયારો સાથે મોકલ્યા હતા અને આરોપીઓએ હુમલો કરી હત્યા કરી હતી એવી ફરિયાદ પરથી માળિયા (મી.) પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.