ત્રણ યુવકોના મોતના મામલે બોપલ પોલીસે કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ ગુનો નોંધ્યો
બોપલ-ઘુમામાં વિશ્વકુંજ-૨ એપાર્ટમેન્ટમાં હોર્ડીંગ તુટવાનો મામલો
સાતમાં માળે અપુરતી સુરક્ષા વિના જ કામ કરાવતા સમયે ૧૩ જેટલા મજુરો નીચે પટકાયા હતાઃ પરિવારજનોની આકરી કાર્યવાહીની માંગણી

અમદાવાદ,સોમવાર
ઘુમા બોપલમાં આવેલા વિશ્વકુંજ-૨ એપાર્ટમેન્ટના સાત માળે હોર્ડીંગ લગાવતા સમયે ૧૩ જેટલા મજુરો નીચે પટકાયા હતા. જેમાં બે શ્રમિકોના સ્થળ પર મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય એક યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ અંગે બોપલ પોલીસે બેદરકારી દાખવનાર બે કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી કરી છે. પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે કોન્ટ્રાક્ટર દ્વારા દરેક સાઇટ પર બેદરકારી દાખવીને શ્રમિકોના જીવને જોખમમાં મુકવામાં આવતા હતા.
બોપલ-ઘુમામાં આવેલા વિશ્વકુંજ-૨ એપાર્ટમેન્ટમાં રવિવારે પાર્શ્વ મીડીયા નામના કંપની દ્વારા સાતમાં માળે હોર્ડીંગ લગાવવામાં આવી રહ્યું હતું. ત્યારે શ્રમિકોને કોન્ટ્રાક્ટરે પુરતી સુરક્ષા આપી નહોતી. જેના કારણે અચાનક હોર્ડીગ સાથે ૧૩ શ્રમીકો નીચે પટકાયા હતા. જેમાં મહેશ ગૌડ અને કેશવ ગૌડ નામના યુવકોના સ્થળ પર જ મોત નીપજ્યા હતા.જ્યારે રવિ ગૌડને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ અંગે પોલીસ ઇન્સ્પેક્ટર બી ટી ગોહિલે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે પાશ્વ મિડીયા નામની કંપની સાથે સંકળાયેલા ઉમેશ સૈની (રહે.ઇન્દ્રપ્રસ્થ હોમ, મકરબા) જાહેરાતનું બેનર બનાવતો હતો અને અનિલ ગૌડ ફ્રેમ બનાવવાનું કામ કરતા હતા. તેમણે મજુરોને પુરતી સુરક્ષા આપ્યા વિના જ કામ શરૂ કરાવ્યું હતું. જેમાં અકસ્માતની ઘટના બની હતી. આ અંગે પોલીસે ઉમેશ સૈની અને અનિલ ગૌડ વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.
અન્ય ઇજાગ્રસ્ત શ્રમિકોની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે તેમને અગાઉની સાઇટ પર કોઇ સુરક્ષા કે સાધનો પુરા પાડવામાં આવતા નહોતા. ત્યારે પણ અનેકવાર મોટી ઘટના બનતા અટકી હતી. આ અંગે બોપલ પોલીસે બંનેની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.