ડોનાલ્ડ ટ્રમ્પે નવા સ્ટુડન્ટ વિઝા માટેના ઇન્ટરવ્યુ પર બ્રેક લગાવી
સ્ટુડન્ટ્સ વિઝા માટે નવી અરજી લેવાની અટકાવી ઃ જૂની અરજી કરનારાઓના સોશિયલ મિડિયા એકાઉન્ટની ચકાસણી કરવામાં આવશે
અરજી કરી ચૂકેલા વિદ્યાર્થીઓના સોશિયલ મિડીયાના એકાઉન્ટની ચકાસણી કર્યા પછી તેમને વિઝા આપવા કે નહિ તેનો નિર્ણય લેવાશે
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, બુધવાર
ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા સંઘર્ષમાં પોતે સમાધાન કરાવ્યું હોવાના અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાને ભારતે નકારી કાઢયો તે પછી ભારતને કોઈપણ રીતે ભીડાવવા સક્રિય બનેલા અમેરિકાના પ્રમુખે અમેરિકા આવવા માગતા વિદ્યાર્થીઓના સોશિયલ મિડીયા એકાઉન્ટની ચકાસણી કરવાની અને તેમાંય ખાસ કરીને અમેરિકા વિરોધી કોમેન્ટને સમર્થન આપનારા વિદ્યાર્થીઓને એન્ટ્રી જ ન મળે તેવી વ્યવસ્થા ઊભી કરી છે. આમ ભારતમાંથી અમેરિકા ભણવા જવા માગતા વિદ્યાર્થીઓના ફેસબુક, વૉટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરની કોમેન્ટ્સને ધ્યાનમાં લીધા બાદ જ તેમને વિદ્યાર્થી તરીકે પ્રવેશ આપવો કે નહિ તે અંગે નિર્ણય લેવામાં આવશે.
આ ચકાસણી કરવા માટેનું નેટવર્ક ઊભું કરવા માટે અમેરિકાની સરકારે પોતાના રાજદૂતાવાસો અને કોન્સ્યુલેટ જનરલની કચેરીઓને સ્ટુડન્ટ્સ વિઝા માટેના ઇન્ટરવ્યુ અટકાવી દેવાની સૂચના આપી દીધી છે. આમ સ્ટુડન્ટ વિઝા માટે અરજી કરનારાઓની અરજી પર થનારી પ્રોસેસ હાલ તુરંત તો અટકી જ જશે, એમ વિદેશ સચિવ માર્કો રુબિયોની સહી સાથેના એક મેસેજમાં જણાવવામાં આવ્યું છે.
અમેરિકાનું વહીવટીતંત્ર સ્ટુડન્ટ વિઝા માટે અરજી કરનારાઓના ફેસબુક કે સોશિયલ મિડીયાના અન્ય એકાઉન્ટ્સની ચકાસણી કરવાની યોજનાને અમલમાં મૂકશે તો તેની અસર અમેરિકાની સંખ્યાબંધ યુનિવર્સિટીઓમાં એડમિશન મેળવવામાં વિદ્યાર્થીઓને તકલીફ પડી જશે, એમ વિઝાના જાણકાર પંકજ પટેલનું કહેવું છે. બીજું, અમેરિકી સરકારના પ્રસ્તુત પગલાંને પરિણામે સંખ્યાબંધ યુનિવર્સિટીઓને વિદેશથી આવતા વિદ્યાર્થીઓ મેળવવામાં પણ તકલીફ પડશે. સ્ટુડન્ટ્સ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ વિદ્યાર્થીઓ એક્સચેન્જ કરવા પર પણ નિયંત્રણ લગાવી દીધું છે. અમેરિકાની સરકારના આ પગલાંને પરિણામે સંખ્યાબંધ યુનિવર્સિટીઓની આવક પણ ઘટી જશે. આ પગલાંને પરિણામે સંખ્યાબંધ યુનિવર્સિટીઓના આર્થિક ગણિતો પણ ખોરવાઈ જશે.
સ્ટુડન્ટ વિઝા માટે અરજી કરી ચૂકેલાઓના સોશિયલ મિડિયાના એકાઉન્ટની ચકાસણીની પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી નવા વિદ્યાર્થીઓની અરજી પણ ન લેવાની સૂચના આપી દેવામાં આવી છે. એફ, એમ અને જે કેટેગરીમાં વિદ્યાર્થીઓની અરજી ન સ્વીકારવાની પણ સૂચના આપી દીધી છે. સરકાર નવી માર્ગદર્શિકા બહાર પાડે તે પછી જ આ કેટેગરીમાં અરજીઓ સ્વીકારવા જણાવી દેવાયું છે. અગાઉ પણ ઇઝરાયલે ગાઝા પટ્ટીમાં લીધેલા પગલાં અંગે અભિપ્રાય આપનારા વિદ્યાર્થીઓના એકાઉન્ટની ચકાસણી કરવામાં આવી હતી. જોકે આ વખતે સોશિયલ મિડિયામાં શું જોવામાં આવશે તે અંગે સ્પષ્ટતા કરવામાં આવી નથી. છતાંય ટ્રમ્પ સરકારના પ્રસ્તુત પગલાંને પરિણામે વિદ્યાર્થીઓમાં હતાશા વધી છે.
આ અગાઉ યુનિવર્સિટીના વર્ગોમાં નિયમિત હાજરી ન આપનારા વિદ્યાર્થીઓ સામે પગલાં લેવાની જાહેરાત કરીને અમેરિકા સરકારે પરદેશથી અમેરિકા ભણવા આવનારા વિદ્યાર્થીઓમાં ફફડાટ ફેલાવી દીધો હતો.