ટ્રેનોમાં પ્રવાસીઓનો સામાન તફડાવવા બાળ ગુનેગારોનો થતો ઉપયોગ , કિશોરની ધરપકડ બાદ વધુ એક ઝડપાયો
Vadodara : ટ્રેનોમાં પ્રવાસ કરતા મુસાફરોનો કિંમતી સામાન ચોરી કરવા માટે હવે રીઢા ગુનેગારો નાના બાળકોનો પણ ઉપયોગ કરી રહ્યા છે. ગોધરા તેમજ સુરતમાં ટ્રેનોમાં થયેલી ચોરીના ગુનામાં રેલ્વે પોલીસે એક કિશોરની ધરપકડ કરી હતી.
વડોદરા રેલ્વે સ્ટેશન ઉપર રેલ્વે એલસીબીનો સ્ટાફ શંકાસ્પદ મુસાફરો ઉપર વોચ રાખતો હતો દરમિયાન દક્ષિણ છેડા તરફથી આશરે 16 વર્ષનો એક કિશોર આવતા પોલીસે તેને રોક્યો હતો. તેની શંકાસ્પદ હરકતોના કારણે તેની પાસેનો સામાન ચેક કરતા તેની પાસેથી ચોરીનો રૂ.14,000 કિંમતનો મુદ્દામાલ મળ્યો હતો.
પોલીસે તેની પૂછપરછ કરતા તેને કબુલાત કરી હતી કે ગોધરામાં તેના સાગરીતો સાથે મળીને પ્રવાસીઓનો સામાન તફડાવ્યો હતો. આ અંગે ગોધરામાં બે ગુના પણ દાખલ થયા છે. બંને સાગરીતોના નામ ગોધરાના સિંગલ ફળિયામાં મિમ મસ્જિદ પાસે રહેતા યાસીન ઉર્ફે ભાણો જમાલભાઈ શેખ અને હુસેન સલીમ શેખ જાણવા મળ્યું હતું. બાદમાં પોલીસે યાસીન ઉર્ફે ભાણાની પણ ધરપકડ કરી હતી તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું હતું કે સુરતમાં પણ એક રેલવે પ્રવાસીનો મોબાઇલ તફડાવ્યો હતો.