તા.૫ની સાંજે અને તા.૬ની સવારે ૧૦ લાખ લોકોને પાણી નહીં મળે
રિપેરિંગને લીધે રાયકા અને દોડકા કૂવાથી ૧૨ કરોડ લીટર પાણી ઓછું મળશે
શહેરના ઉત્તર અને પૂર્વ જોનથી ૧૯ ટાંકીઓને અસર થશેઃ પાંચ સ્થળે આખી રાત રિપેર કામ ચાલશે
વડોદરા,વડોદરા કોર્પોરેશનના મહી નદી ખાતે આવેલા ચાર ફ્રેંચ કૂવા પૈકી રાયકા અને દોડકાથી વડોદરા પાણી લાવતી ૫૪ ઈંચ ડાયામીટરની ફીડર લાઈન સાથે ૬૧ ઈંચ ડાયામીટરની લાઈનનું તા.૫ ના રોજ જોડાણ કરવાની કામગીરી કરવાની હોવાથી શહેરમાં ઉત્તર અને પૂર્વ ઝોનમાં આશરે ૧૦ લાખ લોકોની વસ્તીને તા. પાંચની સાંજનું અને તા.૬ની સવારનું પાણી નહીં મળે.
રાયકા- દોડકા કૂવાથી ઉત્તર અને પૂર્વ ઝોનની ૧૯ ટાંકીને પાણી મળે છે. તારીખ ૫ ના રોજ શટ ડાઉન લેવાનું હોવાથી આ બંને ફ્રેન્ચ કૂવાના પંપો બંધ રહેશે. જેના કારણે શહેરમાં ૧૨ કરોડ લીટર પાણીની ઘટ પડશે. તા.૫ની સવારે પાણી વિતરણ બાદ રિપેરીંગની કામગીરી ચાલુ કરાશે. જે આખી રાત ચાલશે. અગાઉ તા.૩૦ના રોજ આ કામ કરવાનું હતું, પરંતુ વરસાદ હોવાને લીધે કામ તા.૫ ઉપર મુલતવી રાખવામાં આવ્યું હતું. રાયકા દોડકાની સંયુક્ત લાઈન જીએસએફસી મેન ગેટ સામેથી પસાર થાય છે. આ લાઈન હાલ બ્રિજ નીચેથી પસાર થઈ રહી હોવાથી તેનું જોડાણ નવી લાઈન સાથે કરાશે. દોડકા ફ્રેન્ચ વેલ ખાતે ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ છે. દોડકાથી ૨૪ ઈંચ ડાયામીટરની લાઈનનું રાયકાના નાકે જોડાણ કરવામાં આવશે. દોડકા ટ્રીટમેન્ટ પ્લાન્ટની લાઈન બે જગ્યાએથી આવે છે, તેને નવા જોડાણ સાથે સાંકળી લેવાશે. રાયકા કૂવા ખાતે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરી હાલ ચાલુ છે, તેની ૩૬ ઈંચની ફીડરલાઈનનું શિફ્ટિંગ કરીને નવી લાઈન સાથે જોડાણ કરવામાં આવશે.
આ ઉપરાંત રાયકા ફ્રેન્ચવેલ ખાતેના સપ્લાય યુનિટને પણ ખસેડવામાં આવશે. સમા ખાતે બની રહેલા ફ્લાય ઓવરબ્રિજના એક પિલર નીચે પાણીની લાઈન પસાર થાય છે, તેને પણ શિફ્ટ કરવામાં આવશે. આ બધી કામગીરી માટે ૧૬ ટીમ કામે લાગશે.